સુરતના માંડવીમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધી, ડ્રોનથી દીપડાની શોધ શરૂ

સુરતઃ રહેણાંક વસાહતોમાં વન્ય પ્રાણીની હેરાનગતીના કિસ્સા આવ્યા કરે છે. આવા એક કિસ્સામાં એક વૃદ્ધાને દીપડો ખેંચી જતા તેને ઈજાઓ થઈ હતી અને તેમનું મોત નિપજ્યું હતું.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં માંડવી તાલુકાના કોલસાણા ગામે રહેતા ખાલપી ચૌધરી (ઉ.વ.75) પોતાના ઘરની પાછળ વાડામાં વાસણ ધોઈ રહ્યા હતા. આ દરમિયાન ત્યાં એક દીપડો આવ્યો હતો અને વૃદ્ધાને ખેંચીને નજીકના ખેતરમાં લઇ ગયો હતો. ત્યાં બુમાબુમ થતા લોકો દોડી આવ્યા હતા દરમિયાન દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનામાં ખાલપીબેનને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી અને લોહી લુહાણ થઇ ગયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા પરંતુ તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
આ પણ વાંચો : International Tiger Day: ભારતના 20 રાજ્યમાં વસે છે આપણું રાષ્ટ્રીય પ્રાણી
આ બનાવની જાણ વન વિભાગને થતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી દીપડાને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. ગામની સીમમાં 10 જેટલા પાંજરાઓ મૂકવામાં આવ્યા છે. તેમજ સતત ડ્રોન કેમેરાથી દીપડાને શોધવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.