લીલી પરિક્રમાના રૂટ પર દીપડાની દહેશત! 11 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કરતા મોત
ગુજરાતમાં હાલ ગઢ ગિરનારની આગવી ઓળખ સમી લીલી પરિક્રમા ચાલી રહી છે જેમાં હજારોની સંખ્યામાં રાજ્યના ખૂણે ખૂણેથી ભાવિક ભક્તો જોડાયા છે. ત્યારે કેટલાક મીડિયા અહેવાલો મુજબ પરિક્રમા રૂટ પર દીપડાના આતંકની સાક્ષી પૂરતો એક કરૂણ બનાવ બન્યો છે જેમાં પરિક્રમા માટે આવેલી 11 વર્ષની માસૂમ બાળકી પર દીપડાએ હુમલો કરી દેતા તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે પાયલ સાખન નામની આ બાળકી અમરેલીના રાજુલાથી ગિરનારની પરિક્રમા માટે તેના પરિવાર સાથે આવી હતી. બોરદેવી પાસે ઓચિંતા જ ક્યાંકથી દીપડો આવી ચડતા માસૂમ બાળકીને ઉઠાવી ગયો હતો, દીકરીને છોડાવવા પરિવારે પણ દોટ લગાવી હતી પરંતુ દીપડો બાળકીને લઇને જંગલમાં નાસી ગયો હતો. આ પછી વનવિભાગની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવતા તેમણે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. જો કે વનવિભાગની ટીમને માત્ર તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો. હાલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તેનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે પરિક્રમા રૂટ પર વન્ય પશુ દ્વારા કોઇ વ્યક્તિ પર હુમલાની આ પ્રથમ ઘટના છે. આ ઘટનાને પગલે સ્થાનિક વનવિભાગના અધિકારીઓ દ્વારા આદમખોર દીપડાને પકડવાની કામગીરી હાથ ધરાઇ હોવાનું જણાવ્યું હતું. તેમજ પદયાત્રીઓને પણ પરિક્રમા રૂટ સિવાય જંગલ વિસ્તારમાં ન જવા સૂચના આપવામાં આવી છે.