આપણું ગુજરાત

કડવા પાટીદાર સમાજના અગ્રણીઓએ જયસુખ પટેલના સમર્થનમાં મુખ્યમંત્રી ને કરી રજુઆત

આજથી એકાદ વર્ષ પહેલા મોરબીમાં બનેલ ઝુલતાપુલ તૂટવાની ઘટનાને કારણે હાહાકાર મચી ગયો હતો. અંદાજે ૧૩૫ જેટલા નિર્દોષ લોકો પુલ તૂટવાના કારણે મૃત્યુ પામ્યા હતા. પુલના જીર્ણોધ્ધારની જવાબદારી મોરબીના ઉદ્યોગ ક્ષેત્રના અને કડવા પાટીદાર સમાજના અગ્રણી જાણીતા ઘડિયાળ મેન્યુફેક્ચરિંગ યુનિટના માલિક જયસુખ પટેલની સંસ્થાને શરતોને આધીન સોંપવામાં આવી હતી. અમુક સમય સુધી પૂલની મરમ્મત નું કામ ચાલુ રહ્યું. અને ત્યારબાદ કોઈપણ જાતની પ્રાથમિક ફિટનેસ રિપોર્ટ વગર તહેવારોના દિવસોમાં 15 રૂપિયાની ટિકિટ રાખી અને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો.સમગ્ર ઘટનામાં પ્રાથમિક રિપોર્ટ એવો આવ્યો હતો કે પુલને સંપૂર્ણ રીતે રીપેર કરવામાં આવ્યો ન હતો.ઉપરાંત એન્જિનિયરિંગ જ્ઞાન ન હોવાને કારણે કે ખર્ચ બચાવવાને કારણે જરૂરી ખર્ચ કે જરૂરી સગવડ ઊભી ન થઈ.જુના દોરડાઓ ફરી ઉપયોગમાં લેવાયા હતા.

ઉપરોક્ત ગમખ્વાર ઘટના અંગે ઉદ્યોગપતિ જયસુખ પટેલની ધરપકડ થઈ અને તેને જેલમાં નાખી દેવામાં આવ્યા ત્યાર પછીની ઘટનાઓમાં તાજેતરમાં એવી કલમો લગાડવાની વાત આવી કે જેમાં 302 307 જેવી કલમોનો સમાવેશ થાય છે આ સંદર્ભે સૌરાષ્ટ્રભરમાં કડવા પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. મોરબી ખાતે યોજાઈ ગયેલ મોરારીબાપુની કથામાં પણ તેઓએ કહ્યું હતું કે આ થોડું વધારે પડતું થઈ રહ્યું છે આવી કલમો લગાડાય નહીં અને તેઓ પણ વિવાદના કેળામાં આવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા તથા ધારાસભ્ય કિરીટ પટેલ પણ મેદાનમાં આવ્યા છે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેઓએ પોલીસ તપાસ સામે પણ આંગળી ચીંધી છે અને સરકારી તંત્રને બચાવવા માટે થઈ અને જયસુખભાઈને બલિનો બકરો બનાવવામાં આવે છે તેવા આક્ષેપો કર્યા છે.

આમ જ્ઞાતિ અગ્રણીઓ, રાજકીય આગેવાનો પણ જયસુખભાઈના સમર્થનમાં મેદાનમાં આવ્યા હતા હાલ ઉમિયા ધામ ગંઠીલા ના લેટરપેડ પર જૂનાગઢના અગ્રણી નિલેશ ધુલેશિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એક પત્ર લખી મૃતકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી જયસુખ પટેલને જે કલમો હેઠળ કાર્યવાહી કરવાની માંગ છે તે સંદર્ભે નારાજગી વ્યક્ત કરી હતી. જ્ઞાતિના સંગઠનો પત્ર લખી અને મુખ્યમંત્રી સમક્ષ પોતાની લાગણી રજૂ કરી શકે પરંતુ કોર્ટના હુકમ સામે તો ન્યાયિક લડત દ્વારા જ પોતાની વાત રજૂ થઈ શકે. મુંબઈ સમાચારના પ્રતિનિધિએ આજ રોજ નિલેશ ધુલેશિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ન્યાયિક પ્રક્રિયામાં વચ્ચે આવવાની વાત નથી.પરંતુ જયસુખ પટેલ પરિવારને પણ ધ્યાનમાં રાખવો જોઈએ.વર્ષોથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભામાશા પરિવાર તરીકે ઓળખાતો આ પરિવાર થોડા પૈસા માટે થઈ અને આવી ગંભીર ભૂલ કરે નહીં. જોકે તેઓએ ક્ષતિ પણ રહી છે તેવું આડકતરી રીતે સ્વીકાર્યું હતું. ન્યાયિક પ્રક્રિયા ભલે ચાલુ રહે પણ તેમને પેરોલ મંજૂર કરી જેલ મુક્ત કરવા જોઈએ. લોકો એ જે તે સમયે કહ્યું હતું કે સરકારી તંત્ર પણ એટલું જ જવાબદાર છે.તેમની જવાબદારી પણ ફિક્સ થવી જોઈએ.

નિલેશભાઈએ વાત કરતા જણાવ્યું હતું કે કોઈ એરલાઇન ઉડાન દરમિયાન હવામાં તૂટી પડે તો એના ચેરમેનને 302 ની કલમ લગાડી અને જેલમાં નથી પૂરતા તો આ પણ એવો જ કિસ્સો છે. સમગ્ર કિસ્સો હાલ તો ચર્ચાના ચકડોળે ચડ્યો છે. આવનારા દિવસોમાં શું નવાજૂની થાય છે તે ન્યાયિક પ્રક્રિયા જ કહી શકે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button