ગુજરાતમાં માવઠા બાદ ‘ઉઘાડ’થી રાહત પરંતુ હજુ આ જિલ્લામાં વરસાદની આગાહી…

અમદાવાદ: નવા વર્ષની શરૂઆત જ ગુજરાત માટે માઠી હતી કારણ કે દિવાળીના દિવસોમાં જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને દિવાળી બાદ માવઠાએ ભારે નુકસાની કરી હતી. આ દરમિયાન હવે કમોસમી વરસાદના જોરમાં ઘટાડો થયો છે અને ઉઘાડ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ માવઠાએ ખેડૂતો, પશુપાલકો પર ભારે કહેર વર્તાવ્યો છે અને મોટાપાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
ત્યારે આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં ગુજરાતના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હતો, જ્યારે ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ તેમજ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ચિંતા વધી છે.
વરસાદની સાથે જ રાજ્યના તાપમાનમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન રાત્રિના તાપમાનમાં સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં નોંધપાત્ર વધારો થયો હતો, જ્યારે બાકીના પ્રદેશમાં ખાસ કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. જોકે, ગુજરાતના ભાગોમાં તાપમાન સામાન્યથી ઘણું વધારે હતું, અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં પણ તે સામાન્યથી ઉપર હતું. રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન ઘણા સ્થળોએ 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વિભાગની આજની આગાહી મુજબ, રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ સહિત ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ-ગાજવીજ સાથેના ઝાપટાં પડવાની સંભાવના છે.



