સોમનાથ મંદિર આસપાસ મોટા પાયે ગેર કાયદેસર દબાણો દૂર કરાયા, 500થી વધુ પોલીસનો કાફલો તૈનાત
ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ સોમનાથ મંદિરની પાછળ સ્થિત મંદિર ટ્રસ્ટ અને રાજ્ય સરકારની લગભગ ત્રણ હેક્ટર જમીન ખાલી કરવા માટે એક મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં ગેર કાયદેસર દબાણોને હટાવવામાં આવી રહ્યા હતા. કલેક્ટર હરજી વઢવાણિયાએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરનું સંચાલન કરતા શ્રી સોમનાથ ટ્રસ્ટ અને રાજ્ય સરકારની જમીન ખાલી કરવા માટે 21 ગેર કાયદેસર મકાનો અને 153 ઝૂંપડાઓ તોડી પાડવામાં આવી રહ્યા છે.
વધુમાં તેઓ જણાવતા કહે છે કે શનિવારે સવારે પાંચ ‘મામલતદાર’ અને લગભગ 100 મહેસૂલ અધિકારીઓની હાજરીમાં ડિમોલિશનની કામગીરી શરૂ થઈ હતી. તેમણે કહ્યું કે ઓપરેશન શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ ત્રણ હેક્ટર (7.4 એકર) જમીનને ગેર કાયદેયર દબાણથી મુક્ત કરવામાં આવશે અને વાડ કરવામાં આવશે.
કલેક્ટરે કહ્યું, “અમે મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ અનધિકૃત રહેણાંક અતિક્રમણને દૂર કરવા અને જમીનને વાડ કરીને સુરક્ષિત કરવા માટે કામ કરી રહ્યા છીએ. “આ કવાયત પહેલા, અમે 25 જાન્યુઆરીએ દબાણ કરાયેલા લોકો સાથે બેઠક યોજી હતી અને તેમને સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.”
આપને જણાવી દઈએ કે વહીવટીતંત્રે અતિક્રમણ કરાયેલા લોકોને તેમના ઘરની વસ્તુઓ દૂર કરવામાં મદદ કરવા માટે ટ્રેક્ટર અને મજૂરોની વ્યવસ્થા કરી આપી હતી અને તેમને ફૂડ પેકેટ્સની પણ વ્યવસ્થા કરી આપી છે. કલેકટરે મીડિયાકર્મીઓને કહ્યું, ‘બે વિસ્તારોમાં અતિક્રમણ છે – 700 ચોરસ મીટર જમીન પર 21 બાંધકામો અને ત્રણ હેક્ટર જમીન પર 153 બાંધકામો છે.’
જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ કહ્યું હતું કે ડિમોલેશનની કામગીરી શાંતિપૂર્વક થાય તે માટે મોઈ સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે “જમીન સરકાર અને મંદિર ટ્રસ્ટની છે. બે SRP (સ્ટેટ રિઝર્વ પોલીસ) કંપની અને 500 પોલીસ કર્મચારીઓ અહીં તૈનાત છે. અમે વિસ્તારની એન્ટ્રી અને એક્ઝિટ સીલ કરી દીધી છે. “ઇમરજન્સીનો સામનો કરવા માટે, અગ્નિશામકો, રેપિડ એક્શન ફોર્સ (RAF) ટીમો અને ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT)ને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.”