Pavagadh ડુંગર પર ભૂસ્ખલન, પાણીના પ્રવાહ સાથે મોટા પથ્થરો નીચે પડયા

પંચમહાલઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના લગભગ દરેક તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ છેલ્લા કેટલા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ગતરોજ પણ જિલ્લાના પાંચ તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી. જેમાં ભારે વરસાદ વચ્ચે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના (Pavagadh)ડુંગર પર ભૂસ્ખલન થતાં નુકશાન થવા પામ્યું છે.
પાવાગઢ ખાતે ભૂસ્ખલનની ઘટના
હાલોલ તાલુકામાં આવેલા શક્તિપીઠ પાવાગઢ ખાતે ભૂસ્ખલનની ઘટના બની હતી. જેમાં ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે ડુંગર પરથી મોટા પથ્થરો ધસી આવ્યા હતા. ડુંગર ઉપરથી પડેલા પથ્થરો ઉપર ચડવા માટેના પગથિયા નજીક પડ્યા હતા. જેના પગલે આસપાસની દુકાનો અને રેલિંગને નુકસાન થયું હતું. જોકે જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે નીચે કોઈ વ્યક્તિ હાજર ના હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં સૌથી વધુ 28 મિમી વરસાદ ખાબક્યો છે. આ સિવાય અન્ય તાલુકામાં હાલોલમાં 20 મિમી, કાલોલમાં 7 મિમી, મોરવા હડફ અને ઘોઘંબામાં 6-6 મિમી વરસાદ નોંધાયો છે.