“ગુજરાતનાં ખેડૂતોને સરકારની રાહત” જમીન રિ-સરવેની મુદતમાં કર્યો વધારો
અમદાવાદઃ ગુજરાતમાં જમીન રી-સરવેમાં થયેલી ક્ષતિઓ દૂર કરવાની અરજી માટેની મુદ્દત એક વર્ષ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રી સરવેમાં થયેલી ક્ષતિઓ દૂર કરવા સરકારે 31 ડિસેમ્બર 2025 સુધી મુદત વધારી હતી. સરકારે અધિકારીઓને આ મુદ્દે ઝડપથી અમલ કરવા સૂચનાઓ આપી હતી. રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું કે, રાજ્યમાં ખેતીની જમીન રીસરવે માટે ડિઝીટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ્ઝ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ ખેતીની જમીનની માપણી કરી પ્રમોલગેશન કરવાની કામગીરી કુલ ૩૩ જિલ્લામાં હાથ ધરવામાં આવી છે. પ્રમોલગેશન પછી રીસરવે રેકર્ડમાં ખાતેદારો દ્વારા રેકર્ડની ક્ષતિઓ સુધારવાની રજૂઆતો આવે છે.
પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે કાયદાકીય જોગવાઈ હેઠળ પ્રમોલગેશન પછી રેકર્ડમાં ક્ષતિઓ સુધારવા નારાજ અરજદારે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૨૦૩ હેઠળ અપીલ કરવાની જોગવાઈ છે. આવી અપીલની દાદ મેળવવામાં વિલંબ અને ખાતેદારોની હેરાનગતિ, વકીલાત ફી અન્ય ખર્ચ અને હાડમારી ભોગવવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે પ્રમોલગેશન પછી ક્ષતિ સુધારણાની અરજીઓ પરત્વે અપીલ કરવાને બદલે સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ્ઝને સાદી અરજી આધારે નિકાલ કરવાની સત્તા આપવામાં આવી છે.
મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂત ખાતેદારોને રીસર્વે પ્રમોલગેશનમાં થયેલ ક્ષતિ સુધારવા માટે સાદી અરજી કરવાની સમયમર્યાદા વધારવાની બાબત વિચારણા હેઠળ હતી. ખેડૂત ખાતેદારોને પણ અરજી કરવાની તક મળી શકે તેમજ પ્રમોલગેશન પછી ક્ષતિ સુધારવામાં હેરાનગતિ ન થાય અને વકીલ ફી ખર્ચ ન થાય તે હેતુથી હવે ખાતેદારો તરફથી રજૂ થતી અરજીઓ માટે નિયત કરેલ સમયમર્યાદા વધારી 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે.