શક્તિપીઠ અંબાજીમાં સાત દિવસમાં 32 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા
અંબાજીઃ દેશના 51 શક્તિપીઠોમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિપીઠ અંબાજીનું અનોખું મહાત્મ્ય છે. બુધવારે અહીં ભાદરવી પૂનમનો સાત દિવસનો મેળો નિર્વિઘ્ને સંપન્ન થયો હતો. ત્યારે સાત દિવસમાં ભાદરવી પૂનમના મહામેળામાં 32 લાખ જેટલા ભક્તોએ મા અંબાના દર્શન કર્યાં હતાં. આ સાત દિવસોમાં મંદિરને રૂ. 2.66 કરોડની આવક થઈ છે, જ્યારે 504.670 ગ્રામ સોનાનું દાન મળ્યું છે.
સાત દિવસ દરમિયાન કુલ 32.54 લાખ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કર્યા:
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભાદરવી પૂનમના મહામેળામાં 12મી સપ્ટેમ્બરથી 18મી સપ્ટેમ્બર સુધીના સાત દિવસ દરમિયાન કુલ 32.54 લાખ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી ચૂક્યા છે.
સાતમા દિવસે પાંચ લાખથી વધુ દર્શનાર્થીઓ નોંધાયા:
જ્યારે સાતમાં દિવસે 5,62,162 દર્શનાર્થીઓ નોંધાયા છે. જ્યારે ઉડન ખટોલામાં 10,278 યાત્રિકો નોંધાયા છે. સાતમા દિવસે 475 ગ્રામ સોનાની આવક થવા સાથે અત્યાર સુધીમાં સોનાની કુલ 504.670 ગ્રામ આવક નોંધાઈ છે. ગત રવિવારે એટલે કે 15મી સપ્ટેમ્બરના રોજ સૌથી વધુ 6.48 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. સાતમા દિવસે મોહનથાળના પ્રસાદના કુલ 2,97,880 પેકેટ તેમજ 9689 પેકેટ ચિક્કીના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે 353 ધજા રોહણ થયા હતાં.