લખપતિ દીદી યોજનામાં ગુજરાતને હળહળતો 'અન્યાય': કેન્દ્ર સરકારે 267 કરોડ આપવાની જાહેરાત કર્યા બાદ ફદિયું પણ ન આપ્યું...

લખપતિ દીદી યોજનામાં ગુજરાતને હળહળતો ‘અન્યાય’: કેન્દ્ર સરકારે 267 કરોડ આપવાની જાહેરાત કર્યા બાદ ફદિયું પણ ન આપ્યું…

નવી દિલ્હી/ગાંધીનગરઃ સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, જેમાં લખપતિ દીદી યોજનાને લઈ જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ ગુજરાતને હળહળતો અન્યાય થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. કેન્દ્ર સરકારએ ગુજરાતને લખપતિ દીદી યોજના અંતગર્ત 267 કરોડ આપવાનું નક્કી કર્યુ હતું, પરંતુ એક પણ રૂપિયો આપ્યો નથી.

આ ઉપરાંત એવી પણ માહિતી સામે આવી કે કેન્દ્ર સરકારે લખપતિ દીદી યોજના માટે બિહાર, છત્તીસગઢ, ઓડિશા, હરિયાણા, પંજાબ, અરુણાચલ, તામિલનાડુ સહિત અન્ય રાજ્યોને લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટની લ્હાણી કરી હતી. જ્યારે આ યોજના અંતર્ગત કેન્દ્રએ ગુજરાતને 267 કરોડ આપવા મોટા ઉપાડે જાહેરાત કરી હતી. પણ અત્યાર સુધીમાં એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપી નથી.

ગુજરાતમાં કેટલી છે લખપતિ દીદી
સંસદમાં રજૂ થયેલાં રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 6.06 લખપતિ દીદી છે. જ્યારે મહારાષ્ટ્રમાં 22.69 લાખ, આંધ્ર પ્રદેશમાં 17.41 લાખ, મધ્ય પ્રદેશમાં 12.84 લાખ, ઉત્તરપ્રદેશમાં 11.15 લાખ, પશ્ચિમ બંગાળમાં 11.59 લાખ, ઓડિશામાં 7.80 લાખ મહિલાઓ લખપતિ દીદી યોજના બની હતી. વિકસિત ગુજરાત કરતાં અન્ય રાજ્યોમાં મહિલાઓએ લખપતિ દીદી યોજનાનો વધુ લાભ મેળવ્યો હતો. મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે ગુજરાતને પૂરતું પ્રોત્સાહન જ નથી મળતું.

લખપતિ દીદી યોજનાથી મહિલાઓ નિરાશ?
કેન્દ્ર સરકારની આ જાહેરાત બાદ ગુજરાતની હજારો મહિલાઓ આશા સેવી રહી હતી કે આ યોજના થકી તેમને ₹ 1 લાખ સુધીની લોન અને અન્ય સહાય મળી શકશે, જે તેમને નાના ઉદ્યોગો શરૂ કરવામાં અથવા હાલના વ્યવસાયોને વિસ્તારવામાં મદદરૂપ થશે. જોકે, ભંડોળના અભાવે આ યોજના ગુજરાતમાં અટકી પડી છે, જેના કારણે લાભાર્થી મહિલાઓમાં નિરાશા જોવા મળી રહી છે. આ મામલે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે કેમ, તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. જોકે, આ મુદ્દો આગામી સમયમાં રાજકીય ગરમાવો પકડી શકે છે.

શું છે લખપતિ યોજના
ભારત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે લખપતિ દીદી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મહિલાઓને નવો વ્યવસાય શરૂ કરવા અને તેમની આવક વધારવા જરૂરી તાલીમ આપવામાં આવે છે. આ યોજનામાં જે મહિલાઓના પરિવારની વાર્ષિક આવક રૂપિયા ત્રણ લાખથી ઓછી હોય તે આ માટે અરજી કરી શકે છે. અરજીકર્તાના પરિવારમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરીમાં ન હોવા જોઈએ. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને વાર્ષિક રૂપિયા એક લાખની આવક પ્રાપ્ત કરવામાં મદદ કરવાનો છે.

https://youtube.com/shorts/YvrsK7D8JX4?si=AIHcZARy5MAcpM_C

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button