આરોગ્ય સુવિધાનો આભાવ: ગામવાસીએ જાતે PHC શરુ કરી શકે? HCએ ગુજરાત સરકારને નોટીસ મોકલી
અમદાવાદ: ગુજરાતમાં જાહેર સ્વાસ્થ્ય વ્યવસ્થાના અભાવ અંગે અવાર નવાર પ્રશ્નો ઉઠતા રહે છે. એવામાં ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના હડિયાતના રહેવાસીએ જાતેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ની સ્થાપવા અને ચાલવા માટે સરકારને વિનંતી કરી હતી, જે ને રાજ્ય સરકારે નકારી કાઢી હતી. ગુજરાત હાઈકોર્ટે આ અંગે રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી. અરજદારના વકીલના જણાવ્યા મુજબ અરજદારે તેમના ગામના મામલતદારને અરજી કરી હતી કે ગામમાં પ્રાથમીક સારવાર કેન્દ્ર સ્થાપવાની પરવાનગી આપવામાં આવે. જે અંગે કોઈ પ્રતિસાદ ન મળતાં, તેમણે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેણે કોર્ટ સમક્ષ અરજી કરી હતી કે સંબંધિત પ્રસાશનને નિર્દેશ કરવામાં આવે કે તેમને PHC સ્થાપવા અને ચલાવવાની મંજૂરી આપવા આવે જેથી તેઓ વિસ્તારના રહેવાસીઓને પ્રાથમિક સારવાર આપી શકે.
અરજીમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે નેશનલ સ્કૂલ ઑફ ઓપન સ્કૂલિંગની રાજ્યના આરોગ્ય અને કુટુંબ કલ્યાણના નિયામકને આપેલી સૂચના મુજબ તેઓ જે ડિગ્રી ધરાવે છે, તેમને ક્લિનિક્સ ચલાવવાની મંજૂરી મળી શકે. અરજદારે કમ્યુનીટી હેલ્થ કેર અને પ્રાથમિક આરોગ્ય સંભાળ માટે આવશ્યક દવાઓ માટે વિવિધ પ્રમાણપત્રો ધરાવવાનો દાવો કર્યો હતો. અરજદાર યોગમાં MD અને નેચરોપેથી અને યોગિક વિજ્ઞાનમાં ડિપ્લોમાના પણ પ્રમાણ પત્રો પણ ધરાવે છે. અરજદારના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે મામલતદાર આવી અરજીઓ સંબંધિત પ્રસાશનને મોકલી શકે છે.
દેશમાં ડોકટરોની સંખ્યા ઓછી હોવાથી આવા પ્રમાણપત્રો ધરાવતા લોકોને આરોગ્ય કેન્દ્રો ચલાવવાની પરવાનગી મળવી જોઈએ છે. તેઓ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સારવાર આપી શકે છે. સરકારી વકીલે આ અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, PHC અને CHC (સામુદાયિક આરોગ્ય કેન્દ્રો) સ્થાપવા માટેના સરકારી નિયમો છે, આ સંદર્ભે સરકારી ઠરાવો છે. તેની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવે છે. કોઈ ખાનગી વ્યક્તિને PHC સ્થાપવા માટે પરવાનગી આપી શકાતી નથી. ન્યાયાધીશ વી ડી નાણાવટીએ કહ્યું, “જો ગામમાં કોઈ ન સુવિધા હોય, તો પરવાનગી ન મળી શકે? જો ગામમાં કોઈ આરોગ્ય કેન્દ્ર ન હોય અને કોઈ તેની સ્થાપના કરવા તૈયાર હોય, તો આમાં ખોટું શું છે? જો તમને આની સામે વાંધો હોય તો નોટિસ અંગે તમારો જવાબ દાખલ કરો.” વધુ સુનાવણી 30 જાન્યુઆરી, 2024 પર રાખવામાં આવી છે.