અકસ્માતમાં મૃત્યુ પામેલા મજૂર પરિવારે અંગદાન કરી ત્રણ લોકોને આપ્યું જીવનદાન
અમદાવાદ: ગુજરાતના અમદાવાદમાં અકસ્માત બાદ બ્રેઈન ડેડ વ્યક્તિના કારણે ત્રણ લોકોને નવું જીવન મળ્યું છે. મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા એક વ્યક્તિનું બાઇક અકસ્માત દરમિયાન મૃત્યુ થયું હતું. ત્યારબાદ તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં બે દિવસ પછી ડૉક્ટરે તેને બ્રેઈન ડેડ જાહેર કર્યો, ત્યારબાદ પરિવારની સહમતી લઈને તેના ત્રણ અંગોનું દાન કર્યું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઈન ડેડ દર્દીના અંગદાનથી ત્રણ લોકોને નવું જીવન મળ્યું છે. મજૂરી કરીને પોતાનું જીવન ગુજારતા રાજસ્થાનના એક બ્રેઈન ડેડ 43 વર્ષીય વ્યક્તિ હરિસિંહ ચૌહાણના પરિવારની પરવાનગીથી તેમનું લીવર અને બંને કિડની જરૂરિયાતમંદ દર્દીઓને દાનમાં આપવામાં આવી હતી. હરિસિંહના અંગદાનથી ત્રણ દર્દીઓને નવું જીવન મળ્યું છે.
43 વર્ષના હરિસિંહ અપરિણીત હતા. તેમના પરિવારમાં તેમની માતા અને ભાઈ મહેન્દ્રસિંહનો સમાવેશ થાય છે. ડોકટરની ટીમે બ્રેઈન ડેડ હરિસિંહ અંગે પરિવારજનોને જાણ કરી અંગદાન અંગે માહિતી આપી હતી. આ પછી હરિસિંહના પરિવારે અંગદાનની મંજૂરી આપીને તેમના પરિવારે તેમની બે કિડની અને લિવરનું દાન કર્યું હતું.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે પર ફરી લોહી રેડાયું
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, 158માં અંગદાનમાંથી મળેલી કિડની અને લીવરને હોસ્પિટલમાં જરૂરીયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. તેમણે કહ્યું, જ્યારે દર્દીઓ બ્રેઈન ડેડ થઈ જાય છે, ત્યારે અમારી ટીમ પરિવારનું કાઉન્સેલિંગ કરે છે અને તેમને દર્દીની સ્થિતિથી વાકેફ કરાવે છે.
ડોક્ટર જોષીએ જણાવ્યું કે, પરિવારના ઘણા સભ્યો અંગદાન માટે તૈયાર હોય છે. સિવિલ હોસ્પિટલમાં હરિસિંહનું આ 158મું અંગદાન હતું. અત્યાર સુધીમાં અમને 158 અંગ દાતાઓ દ્વારા 511 અંગો દાન તરીકે મળ્યા છે. જેના દ્વારા અત્યાર સુધીમાં 495 લોકોને નવજીવન મળ્યું છે.