આપણું ગુજરાત

સરકારનો નિર્ણય: લાભપાંચમથી શરૂ થશે ટેકાના ભાવે આ પાકોની ખરીદી!

દિવાળી પહેલા ખેડૂતોને માટે મોટા સમાચાર છે. રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન 2024-25માં લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની સીધી ખરીદી કરવામાં આવશે. વધુમાં બાજરી,જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ.ક્વિન્ટલ રૂ. 300નું બોનસ આપવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતમાં પાછોતરા વરસાદથી ખેડૂતો પરેશાન, કૃષિપાકને વ્યાપક નુકસાન

ખેડૂતોએ કરવાની રહેશે ઓનલાઇન નોંધણી:

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવાની રહેશે. જેમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે તા.31 ઓકટોબર 2024 સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ કરવામાં આવશે. આ કૃષિ પાકોની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ એટલે કે તા. 6 નવેમ્બર 2024થી 15 જાન્યુઆરી 2025 સુધી કરવામાં આવશે.

રજીસ્ટ્રેશન માટે જરૂરી પુરાવા:

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7, 12, 8-અ ની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગે નોંધ ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઓનલાઇન નોંધણી ફરજીયાત છે.

આટલું ખાસ રાખજો ધ્યાન:

વધુમાં ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ કે ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ દસ્તાવેજ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે. ડોક્યુમેન્ટ્સની વેરિફિકેશન દરમ્યાન ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો જે તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ કરવામાં આવશે નહિ.

આ પણ વાંચો : બજારમાં દિવાળીની રોનક: દિવાળી પૂર્વે ભુજની ગુજરી બજારમાં ખરીદીની ધૂમ

જો કે ખેડૂતોને આ નોંધણી બાબતે કોઇ પ્રશ્ન હોય તે માટે સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. નોંધણી અંગે વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button