ખ્યાતિ હૉસ્પિટલ કાંડઃ ભાજપના નેતાએ ખોયો ભાઈ, સંચાલકો સામે કડક કાયવાહીની માગણી

અમદાવાદઃ ગુજરાતમાં ખળભળાટ મચાવનારા ખ્યાતિ હૉસ્પિટલ કાંડમાં બે દરદીએ જીવ ગુમાવ્યા છે ત્યારે મૃતકોમાંના એક મહેશ બારોટ ભાજપના નેતાના ભાઈ હોવાનું ખૂલ્યું છે.
ભાજપના અમદાવાદના નવરંગપુરા વિસ્તારનાં મહિલા કોર્પોરેટર આશા બ્રહ્મભટ્ટના પિતરાઈભાઈ મહેશ બારોટ (42)નો જીવ ડોક્ટરોની બેદરકારીને લીધે ગયો હોવાનું ખુલ્યું છે. એક અહેવાલમાં બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ગઈકાલે આખો દિવસ હું બોરીસણા ગામમાં હતી. ડોક્ટરોની બેદરકારીને લીધે બે જણે જીવ ગુમાવ્યા છે. તેમની સામે કડક કાર્યવાહીની અમે માગણી કરી છે.
ભાજપના એક અન્ય કોર્પોરેટરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે બધા મહારાષ્ટ્રની ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. આ સમાચાર આવતા આશાબહેન ખૂબ દુઃખી થયા હતા. અમે સરકારને પણ આ મામલે સખત પગલાં લેવા જણાવ્યું હતું. આ કેસમાં હૉસ્પિટલની દેખિતી બેજવાબદારી દેખાઈ આવે છે. અન્ય એક ભાજપના નેતાએ પણ સરકાર સખત પગલાં લઈ દાખલો બેસાડે તેવી માગણી કરી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના બાદ સરકારે આરોગ્ય ખાતાનો ઉધડો લઈ લીધો હતો. જોકે અમદાવાદ મ્યુનિસિપાલિટીની આમાં કોઈ ભૂમિકા નથી, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
હૉસ્પિટલના બહાર આવેલા આ કાંડ બાદ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ દ્વારા ખાનગી હૉસ્પિટલોને થતી કરોડોની આવક મામલે પણ સવાલો ઊભા થયા છે.
શું છે ખ્યાતિ હૉસ્પિટલ કેસો
અમદાવાદના કલોલમાં આવેલા બોરીસણા ગામમાં ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા હેલ્થ કેમ્પ યોજાયો હતો, જેમાં દરદીઓને હૃદયસંબંધી બીમારી હોવાનું કહી તેમના કાર્ડિયોગ્રામ કઢાયા હતા અને તેમાંથી 19 દરદીને વધારે સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. આ દરદીઓની જાણ બહાર તેમની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, જેમાં બે દરદીના મોત થયા.
આ પણ વાંચો…..સુરત પોલીસે ચાર સાયબર ક્રિમીનલ્સની ધરપકડ કરી, દેશભરમાં 200 FIR નોંધાયેલી છે
ત્યારબાદ ગ્રામજનોના કહેવા અનુસાર તેમને હૃદયની બીમારીની ફરિયાદ પણ ન હતી છતાં આયુષ્ય માન કાર્ડ છે તેમ પૂછી તેમના કાર્ડિયોગ્રામ કાઢવામાં આવ્યા હતા. સરકારે હૉસ્પિટલ સામે સખત કાર્યવાહીના આદેશ આપ્યા છે.