તરુણીનું અપહરણ કરી દુષ્કર્મ કરનારને કચ્છની પોક્સો કોર્ટે ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી
ભુજ: ૧૭ વર્ષની તરુણીને વિશ્ર્વાસમાં લીધા બાદ અપહરણ કરી લઇ, વિવિધ સ્થળે દુષ્કર્મ આચરનારાં નરાધમને ગાંધીધામની પોક્સો કોર્ટે ૧૦ વર્ષની સખત કેદની સજા સાથે ૨૩ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.
ભોગ બનનારી તરુણીના પિતાએ નવ વર્ષ અગાઉ ૧૮મી ઑગસ્ટ ૨૦૦૯ના રોજ ફરિયાદ કરતાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે મૂળ રાજસ્થાનના આરોપી મહેન્દ્ર મફારામજી મેઘવાર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો પણ આ ગંભીર ગુનાનો આરોપી એક વર્ષ સુધી પોલીસથી નાસતો ફરતો રહ્યો હતો. ત્યારબાદ તેને પોલીસે રાજસ્થાન બોર્ડર પાસેથી ઝડપી લીધો હતો.
આઠ વર્ષ સુધી ચાલેલા કાનૂની જંગ બાદ આખરે ગાંધીધામ પોક્સો કોર્ટે મહેન્દ્રને દોષી ઠેરવી આકરી સજાનો હુકમ સંભળાવ્યો હતો. વિશેષ જજ બી. જી. ગોલાણીએ આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩ હેઠળ ૫ વર્ષની કેદ અને ૩ હજાર રૂપિયા દંડ, કલમ ૩૬૬ હેઠળ ૭ વર્ષની કેદ અને ૫ હજાર રૂપિયા દંડ, કલમ ૩૭૬ હેઠળ ૧૦ વર્ષની કેદ અને ૭૫૦૦ રૂપિયા દંડ તથા પોક્સો એક્ટની કલમ ૬ હેઠળ ૧૦ વર્ષની કેદ અને ૭૫૦૦ રૂપિયા દંડ ફટકાર્યો છે.
કોર્ટે દંડની રકમ વસૂલ થયાં બાદ ગુનાનો ભોગ બનનાર પીડિતાને ૨૦ હજાર રૂપિયાનું વળતર ચૂકવવા તેમજ વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કિમ હેઠળ ૨ લાખનું વળતર ચૂકવવા ભલામણ કરી છે. આ કેસમાં સરકાર તરફે મદદનીશ જિલ્લા સરકારી વકીલ એમ.આર. જાડેજા અને મૂળ ફરિયાદ પક્ષના એડવોકેટ જે.કે. અબચુંગે કોર્ટ રૂમમાં દલીલો કરી હતી.ઉ