આપણું ગુજરાત
કચ્છના ચકચારી હમીરપર હત્યાકાંડના આરોપીનું જેલમાં હૃદયરોગના હુમલાથી મોત
ભુજ : કચ્છના ગાંધીધામ તાલુકાના ગળપાદર ખાતે આવેલી ખાસ મધ્યસ્થ જેલમાં રહેલા કેદી અને ચર્ચાસ્પદ બનેલા મોટી હમીરપર હત્યાકાંડના આરોપી લક્ષ્મણ બીજલ કોળી (ઉં.વ. ૫૮) ને જેલમાં જ હૃદયરોગનો હુમલો આવતાં હૉસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ અંગે અંજાર પોલીસ મથકેથી જાણવા મળેલી વિગતો અનુસાર, સીમાવર્તી રાપર તાલુકાના મોટી હમીરપર ગામમાં થોડાં વર્ષો પહેલાં જૂની અદાવતમાં એક જ પરિવારના પાંચ સભ્યની ઘાતકી હત્યાના પ્રકરણમાં પોલીસે લક્ષ્મણ બીજલ કોળીની અટક કરી ગળપાદરની જિલ્લા જેલના હવાલે કર્યો હતો. અહીં રહેલા આ કેદીને ગત ૧૩મી સપ્ટેમ્બરના રોજ ગભરામણ થવા લાગી હતી અને તબિયત લથડતાં તેને તાત્કાલિક સારવાર અર્થે આદિપુરની રામબાગ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન આ આધેડ બંદીવાને અંતિમ શ્ર્વાસ લીધા હતા.