નારાયણ સરોવર દર્શનાર્થે જતી બસ એવી ફસાય કે સ્થાનિકોએ ટ્રેકટરથી કાઢી બહાર…

ભુજ: ગત સપ્તાહે અતિવૃષ્ટિ સમા વરસેલા વરસાદના પગલે કચ્છના અબડાસા, લખપત,માંડવી,નખત્રાણા સહિતના વિસ્તારોમાં હજુ પણ કેટલીક જગ્યાઓએ કેડસમાં પાણી ભરાયેલાં છે.
કચ્છના સુપ્રસિદ્ધ યાત્રાધામ નારાયણ સરોવરથી બરંદાને જોડતા માર્ગ પર આવેલા ગુહર ગામના પાદરે આવેલી અને વરસાદી પાણીમાં ગરક થઇ ગયેલી પાપડીમાંથી પસાર થવાનો પ્રયાસ કરનારી અમદાવાદથી આવેલા યાત્રાળુઓની ખાનગી ટ્રાવેલ્સની બસ નારાયણ સરોવર, કોટેશ્વર દર્શનાર્થે જતા સમયે પાણી વચ્ચે ફસાઈ જતાં યાત્રાળુઓ ફફડી ગયા હતા.
બનાવની જાણ થયે મદદે દોડી આવેલા સ્થાનિક લોકોએ ટ્રેક્ટર વડે દોરડું બાંધી અડધી ડૂબી ગયેલી બસને બહાર કાઢી હતી અને આ બસમાં સવાર બાળકો, મહિલાઓ સહિતના યાત્રિકોને બહાર કાઢી, નારાયણ સરોવરના ટ્રેકટરની ટ્રોલીમાં બેસાડી અન્નક્ષેત્ર સુધી લઇ જવામાં આવ્યા હતા.
આ અંગે જાણવા મળેલી વિગતો મુજબ, ભારે વરસાદ બાદ નારાણય સરોવર તીર્થધામની નજીક આવેલી ગુહર પાપડીમાંથી જોશભેર પાણી વહી નીકળ્યું હતું અને આ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો. વરસાદે વિરામ લેતા આ માર્ગને શરૂ કરી દેવાયો છે. આ જોખમી માર્ગ પર અંદાજિત પચાસેક જેટલા યાત્રિકોની ખાનગી બસ પાણી વચ્ચે અટવાઈ પડી હતી, જેને ટ્રેક્ટર વડે ખેંચીને બહાર કાઢવામાં આવી હતી. સદભાગ્યે પાણીમાંથી બહાર આવ્યા બાદ બસ ચાલુ થઈ જતા મુસાફરોએ રાહતનો દમ લીધો હતો.