કચ્છમાં બોરવેલમાં યુવાન કૂદ્યો, નવ કલાકના બચાવકાર્ય બાદ મૃતદેહ બહાર કાઢ્યો

અમદાવાદઃ કચ્છના કુકમા ગામ ખાતે શનિવારના સાંજના સાતેક વાગ્યાના અરસામાં બોરવેલમાં કથિત રીતે કૂદેલા ઝારખંડના ૨૦ વર્ષીય યુવકને બચાવવા સતત નવ કલાક સુધી ચાલેલા બચાવકાર્ય બાદ પણ યુવાનને બચાવી શકાયો ન હતો અને આખરે તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઝારખંડનો વતની રૂસ્તમ શેખ નામનો યુવક કુકમા ગામમાં ગોપાલભાઈની વાડીમાં ખેતમજૂરી કરતો હતો. ગત શનિવારે સાંજના અરસામાં સંભવત પારિવારીક વિખવાદોથી કંટાળી, આવેશમાં આવીને તેણે બોરવેલમાં પડતું મૂક્યું હતું. એક ફૂટ પહોળાઈ ધરાવતા આ બોરવેલમાં યુવક લગભગ ૧૫૦ ફૂટ ઊંડાઈએ ફસાયો હતો. બોરવેલમાંથી બચાવો,બચાવો અવાજ આવવા લાગ્યો હતો, જેથી ઘરના સભ્યો ત્યાં પહોંચી ગયા હતા અને પરિવારે વાડીમલિક ગોપાલભાઈને માહિતી આપતાં તેમણે સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરતાં અધિકારીઓ અને ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવકાર્ય શરૂ કરી દીધું હતું.
આ પણ વાંચો : શોકનો માહોલ: રાજુલાના ધાતરવાડી ડેમમાં ડૂબેલા ચાર યુવકોના મૃતદેહ મળ્યાં; પરિવારોનું કરૂણ આક્રંદ
ભુજ ફાયર વિભાગના ફાયરમેન કમલેશ મતિયાના જણાવ્યા પ્રમાણે, બોરવેલમાં ફસાયેલા યુવકને હેમખેમ બહાર કાઢવા માટે નવ કલાક સુધી હાથ ધરાયેલાં રેસ્ક્યુ ઓપરેશનમાં ભારતીય સૈન્યના જવાનો, બોરવેલનું કામ જાણતા કારીગરો અને ફાયર શાખાના ૧૫ નિષ્ણાત સભ્યો જોડાયા હતા. યુવક શ્વાસ લઇ શકે એ માટે બોરવેલની અંદર પાઇપલાઈન મારફતે સતત ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો હતો અને હાઈ ડેફિનેશન કેમેરાની મદદ વડે યુવકની બોરવેલની અંદરની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી હતી. મોડી રાત સુધી સફળતા ન મળતા, દેશી પદ્ધતિ અપનાવવામાં આવી હતી. લોખંડના હૂકને દોરડા વડે બાંધી ગરગડી મારફતે બોરવેલની અંદર ઉતારવામાં આવ્યું હતું અને આ હૂક રૂસ્તમ શેખના કપડામાં ફસાવી તેને બહાર ખેંચી કાઢવામાં આવ્યો હતો અને ૧૦૮ મારફતે તેને તત્કાળ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, પરંતુ ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાલ પોસ્ટમોર્ટમ સહિતની વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું કમલેશ મતિયાએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો : UPDATE: હાઇડ્રો પાવર પ્રોજેક્ટ દુર્ઘટનાઃ 4 મૃતદેહ મળ્યા, કંપનીએ 25 લાખની સહાય જાહેર કરી
મૃતક કયા સંજોગોમાં બોરવેલમાં ખાબક્યો હતો તે હજુ પણ તપાસનો વિષય છે કારણ કે ખેતર માલિકે આ બંધ બોરવેલ પર ઊંધું તગારું મૂકી, તેના પર મોટા પથ્થરો મૂકી, અને કાંટાળી વાડ પણ બાંધી હતી, પણ આ બધી અડચણોને હટાવી દઈને શા માટે તેમાં ખાબકવું પડ્યું એ બાબતની પધ્ધર પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનાએ આજથી ૧૧ માસ અગાઉ વણકરોની વસ્તી ધરાવતા ભુજ તાલુકાના કંઢેરાઈ ગામના એક ખેતરની બોરવેલમાં ભેદી સંજોગોમાં પડી ગયેલી ઇન્દ્રા કાનાજી મીણા નામની ૨૧ વર્ષીય યુવતીને બહાર કાઢવા હાથ ધરાયેલા કચ્છમાં અત્યાર સુધીના સૌથી લાંબા ૩૨ કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનના અંતે માત્ર મૃતદેહ મળ્યો હોવાની ગોઝારી ઘટનાને લોકોના માનસપટ પર ફરી જીવંત કરી દીધી છે.



