વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં એરફોર્સને મદદ કરનારી મહિલાએ કરી આ માંગ…

ભુજ : ભારત પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971માં થયેલા યુદ્ધમાં ભુજની મહિલાઓના ગ્રુપે દેશના રક્ષણમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમણે યુદ્ધ સમયે મહિલાઓના જૂથે પાકિસ્તાનના હવાઈ હુમલા બાદ તૂટેલી એર સ્ટ્રીપને રીપેર કરીને વાયુસેનાને મદદ કરી હતી. જેના લીધે ભારત પાકિસ્તાનને હરાવી શક્યું હતું. ત્યારે આ જૂથના મહિલા કાનબાઈ શિવજી હિરાણીએ પહલગામ હુમલા પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમજ પીએમ મોદીને પાકિસ્તાન પર કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પાકિસ્તાનને પાણી અને અનાજ આપવાનું બંધ કરવું જોઇએ
તેમણે કહ્યું પાકિસ્તાને જે પણ કર્યું તે ખોટું કર્યું છે. પાકિસ્તાનને પાણી અને અનાજ આપવાનું બંધ કરવું જોઇએ. પાકિસ્તાનના લોકો ભૂખ્યા રહે અને રસ્તા પર ભીખ માંગશે ત્યારે તેમને ભાન પડશે. ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતાં કાનબાઈએ તેમના અનુભવ પણ શેર કર્યા હતા. તે સમયે રનવે બનાવવો સંભવ ન હતો. પરંતુ અમે મહેનત કરીને તેને બનાવ્યો હતો. કારણ કે આ દેશની સુરક્ષાનો વિષય હતો. જ્યારે અમે યુદ્ધ જીત્યા ત્યારે અમે બહુ ખુશ થયા હતા.

ભારતને બચાવવા માટે રનવે બનાવ્યો
તેમણે પોતાની યાદો તાજી કરતા જણાવ્યું કે જ્યારે વર્ષ 1971 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું. ત્યારે હું 24 વર્ષની હતી. અમને પૂછવામાં આવ્યું કે એક રનવે બનાવવો પડશે. અમે કહ્યું કે જો ભારતને બચાવવાનો હોઇએ તો જઈશું. પહેલા દિવસે 30-35 મહિલાઓ ગઈ. બીજા દિવસે મહિલાઓની સંખ્યા વધુ વધી ગઈ. ધીમે ધીમે મોટી સંખ્યામાં મહિલાઓ ત્યાં કામ પર ગઈ. પહેલા દિવસે અમને કંઈ મળ્યું નહીં. ત્યાં પાણી ગરમ હતું. ખોરાક ઉપલબ્ધ નહોતો. જોકે,પછી કોઈક રીતે ખોરાક લાવવામાં આવ્યો હતો.
વિમાને આઠમા દિવસે રનવે પર ઉડવાનું શરૂ કર્યું
કાનબાઈ હિરાણીએ કહ્યું, હું સવારે 7 વાગ્યે કામ શરૂ કરતી અને સાંજે 7 વાગ્યે ઘરે પાછી ફરતી. અમને કહેવામાં આવતું હતું કે જ્યારે પ્રથમ સાયરન વાગે ત્યારે તમારે બધા છુપાઈ જવું. જ્યારે બીજી સાયરન વાગે ત્યારે બહાર નીકળીને કામ પર લાગી જવું. અમે અમારા જીવ જોખમમાં મૂકીને ભારત માતાને બચાવવાનું કામ કરતા હતા. અમે બધાએ રનવેનું સમારકામ કર્યું અને આઠમા દિવસે વિમાન ઉડવા લાગ્યું. મને આજે પણ તે બધી વાતો યાદ કરીને ખૂબ આનંદ થાય છે.
આપણ વાંચો : પહલગામ હુમલા મુદ્દે નીતિન કાકાએ પાકિસ્તાન પર તાક્યું નિશાન, જાણો શું કહી નાખ્યું?