કચ્છમાં ઠંડી ગાયબ! માગશર-પોષ મહિનામાં પણ હાફ-પેન્ટ ગંજીમાં ટહેલતા લોકો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: પોષ મહિનો શરૂ થઇ ચુક્યો હોવા છતાં કચ્છમાં હજુ તેની તાસીર પ્રમાણે ઠંડી અનુભવાતી નથી. કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત પસાર થઇ ગયેલા સમગ્ર માગશર મહિનામાં પણ હાડથીજવતી ઠંડીની ગેરહાજરી અનુભવાઈ હતી અને લોકોને ખાસ કરીને રાત્રી દરમ્યાન પંખા ‘ઓન’ કરવા પડ્યા હતા. આશ્ચર્યજનક રીતે શહેરોના નવા વિકસતા જતા વિસ્તારોમાં, જ્યાં ઠંડી વધુ પડવી જોઈએ ત્યાં પણ ઠંડીનું પ્રમાણ ઓછું રહેતાં, આ વખતે શિયાળો એકંદરે હજુ સુધી હૂંફાળો રહેવા પામ્યો છે.
ભુજના હરીપર વિસ્તારમાં રહેતા ૭૮ વર્ષીય હરીશભાઈ અંજારિયાના જણાવ્યા પ્રમાણે, હજુ સુધી તેઓ ‘હાફ-પેન્ટ અને ગંજી’ પહેરીને દિવસભર અને રાત્રીના પણ ટહેલી રહ્યા છે. મોસમની આવી વિચિત્રતા મેં પહેલીવાર અનુભવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
કચ્છનું તાપમાન રાત્રી દરમ્યાન ઊંચું રહેતું હોવાથી આ શિયાળા દરમ્યાન રાત્રી હૂંફાળી થવા પામી છે. ભુજમાં લઘુતમ તાપમાન સામાન્ય વર્ષો કરતાં આ વર્ષે અત્યારસુધી લગભગ ૬ ડિગ્રી જેટલું ઊંચું રહેવા પામ્યું છે, તો રાજ્યના સૌથી ઠંડા મથકમાં જેનો સમાવેશ થાય છે તે કચ્છના અબડાસા તાલુકાના નલિયા ખાતે લઘુતમ તાપમાન લગભગ ૫ ડિગ્રી સે. જેટલું ઊંચું રહેવા પામ્યું છે જેને લઈને રાત્રી હૂંફાળી બની જવા પામી છે અને આવું પ્રથમવાર બની રહ્યું છે.
રાજ્યના કાંઠાળ વિસ્તારોની વાત કરીએ તો દ્વારકા અને ઓખા વિસ્તારમાં જાણે હજુ શિયાળો આવ્યો જ ન હોય તેમ લઘુતમ તાપમાન અનુક્રમે ૨૦ ડિગ્રી અને ૨૨ ડિગ્રી સે. રહેવા પામ્યું છે, જયારે પોરબંદર, વેરાવળ અને દમણમાં લઘુતમ તાપમાન ૧૬થી ૧૭ ડિગ્રી સે. જેટલું રહેવા પામ્યું છે. આ ઉપરાંત શિયાળો હોવા છતાં મહત્તમ તાપમાન પણ નોંધપાત્ર રીતે ઊંચા જણાયાં છે. રાજકોટમાં ૩૫ ડિગ્રી સે., નલિયામાં ૩૩ ડિગ્રી સે. પોરબંદરમાં ૩૩ ડિગ્રી સે. ભુજમાં ૩૪ ડિગ્રી સે., ડીસામાં ૩૨ ડિગ્રી સે. સુરતમાં ૩૨ ડિગ્રી સે. મહત્તમ તાપમાન આ વેળાએ નોંધાયાં છે જે સામાન્ય કરતાં ૭થી ૧૦ ડિગ્રી વધુ છે.
કચ્છમાં હજુ સુધી શિયાળો આક્રમકઃ ન બનતાં ગરમ વસ્ત્રો અને વસાણાની બજારમાં ઘરાકી જામી નથી. આ પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે અને જો આવું જ વાતાવરણ રહેશે અને પોષ મહિનાના બાકી રહેતા ૨૭ દિવસો આવા જ પસાર થશે તો ઘઉંના ઉત્પાદન પર અને અન્ય શિયાળુ પાક પર તેની વિપરીત અસર થવાનો ભય દર્શાવાઈ રહ્યો છે.
આ પણ વાંચો…ગુજરાતમાં પડશે હાડ થીજવતી ઠંડી, જાણો મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય રાજ્યોનું હવામાન…



