Top Newsકચ્છ

કચ્છ-સૌરાષ્ટ્રમાં વારંવાર કેમ આવે છે ભૂકંપ? ભૂગર્ભના સ્કેનિંગમાં ખૂલ્યા રહસ્યો…

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી ફરી ફોલ્ટલાઈન સક્રિય થઈ હોય તેમ ભૂકંપના હળવા આંચકા નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં આવેલા 2001 ના વિનાશક ભૂકંપના 2026માં 25 વર્ષ થશે. આ પહેલા એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં 2008 થી 2024 વચ્ચે નોંધાયેલા 1300થી વધુ આંચકાઓનું વિશ્લેષણ કરાયું હતું.

આ માટે 56 કાયમી અને 20 કામચલાઉ સિસ્મિક સ્ટેશનોના ડેટાનો ઉપયોગ કરીને ગુજરાતના ભૂગર્ભનું સ્કેનિંગ કરાયું હતું. જેમાં સામે આવેલી વિગત પ્રમાણે, રાજ્યની નીચે અનેક ફોલ્ટ લાઈનો અને પૃથ્વીના પડમાં થયેલા ફેરફારો (deformations) એકબીજા સાથે સંપર્કમાં આવતા રહે છે, જે ધ્રુજારી અને ભૂકંપનું કારણ બને છે.

ભૂકંપ માટે જવાબદાર ફોલ્ટ સિસ્ટમ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કચ્છમાં સૌથી આશ્ચર્યજનક પરિણામ જોવા મળ્યું હતું. ભૂસ્તરશાસ્ત્રીય રીતે ‘કચ્છ રિફ્ટ બેસિન’ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ગુજરાતના બાકીના ભાગો કરતા પૃથ્વીના પડમાં હલચલનું સ્તર ઘણું વધારે છે. મહત્વની વાત એ છે કે, આ હલચલ કચ્છ મેઈનલેન્ડ ફોલ્ટ, સાઉથ વાગડ ફોલ્ટ, અલ્લાહ બંધ ફોલ્ટ અને ગેડી ફોલ્ટ જેવી મુખ્ય સક્રિય ફોલ્ટ લાઈનો સાથે સીધી રીતે જોડાયેલી છે. જે 25 વર્ષ પહેલા આવેલા મોટા ભૂકંપ માટે જવાબદાર ફોલ્ટ સિસ્ટમ છે.

રિપોર્ટ મુજબ, આ પ્રદેશમાં રિક્ટર સ્કેલ પર 6 કે તેથી વધુની તીવ્રતાના ઓછામાં ઓછા ચાર ભૂકંપ નોંધાયા હતા. 1819માં અલ્લાહ બંધમાં 7.8ની તીવ્રતાનો અને 2001માં કચ્છમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નર્મદા રિફ્ટ બેસિનમાં થતી હલચલ સ્થાનિક ફોલ્ટ સ્ટ્રક્ચર્સને અનુસરે છે. જોકે, ઉત્તર ગુજરાત અને ખંભાત રિફ્ટ બેસિનમાં, હલચલની દિશા ભારતીય પ્લેટની યુરેશિયન પ્લેટ તરફની એકંદર ગતિ સાથે વધુ સુસંગત છે.

સૂત્રોએ જણાવ્યું કે, રાજ્યના અમુક ભાગોમાં ભૂકંપ શા માટે વારંવાર આવે છે તેનાથી આ તારણોમાં સમજવામાં મદદ મળી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે, તેનું કારણ મર્યાદિત વિસ્તારમાં અનેક ફોલ્ટ લાઈનોની પરસ્પર પ્રતિક્રિયા છે, જે પૃથ્વીના પડમાં જટિલ અને સ્ટ્રેસ પેદા કરે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલની પ્રક્રિયાઓમાં ફેરફાર સૂચવવો એ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય નહોતો, પરંતુ તે પૃથ્વીના પડમાં થતી હલચલ અને સ્ટ્રેસની તપાસ કરવા માટે એક વૈજ્ઞાનિક માળખું પૂરું પાડે છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button