સપ્તાહમાં ત્રણ વખત દોડતી ગાંધીધામ-જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ હવેથી દરોજ્જ દોડશે…

ભુજ: સરહદી કચ્છને પાડોશી રાજ્ય રાજસ્થાન સાથે જોડનારી ગાંધીધામ – જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને હવેથી દૈનિક ધોરણે ચલાવવાની જાહેરાત પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવતાં કચ્છમાં વર્ષોથી સ્થાયી થયેલા રાજસ્થાની પરિવારોમાં ખુશીની લહેર છવાઈ છે.
અગાઉ આ મહત્વની ટ્રેન મંગળવાર, ગુરુવાર અને રવિવારના જ દોડતી હતી,પરંતુ મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા હવેથી દરરોજ ગાંધીધામ-જોધપુર- ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન (નંબર ૨૨૪૮૪/ ૨૨૪૮૩) દોડશે.
રેલવે વિભાગ દ્વારા જારી કરાયેલી અખબારી યાદી મુજબ આ ટ્રેન દરરોજ રાત્રે ૧૧ અને ૫૫ કલાકે ગાંધીધામથી મંગળવાર, ગુરુવાર અને રવિવારના બદલે પ્રતિદિન ઊપડશે અને બીજા દિવસે સવારે ૯ અને ૪૫ કલાકે જોધપુર પહોંચશે. ત્યારબાદ જોધપુરથી સોમવાર, બુધવાર અને શનિવારને બદલે પ્રતિદિન રાત્રે ૦૮ અને ૫૦ કલાકે ઊપડશે અને બીજા દિવસે સવારે ૦૬ અને ૦૫ કલાકે ગાંધીધામ પહોંચશે.
આ પણ વાંચો : સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર સફળ આગમનને અંજારની પ્રાથમિક શાળાએ અનોખી રીતે વધાવ્યું
ગાંધીધામ-જોધપુર ટ્રેન બંને દિશામાં સામખિયાળી, રાધનપુર, ભાભર, ભીલડી, ધાનેરા, ભાનમાલ, મોદરકા, જાલોર, મોકલસર, સમદડી, લુણી સહિતના સ્ટશેનો ખાતે થોભશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરોએ રેલવેની વેબસાઈટ ચેક કરવાની રહેશે.