કચ્છ

ભુજમાંથી વિદેશ જવા માટેના ફેક મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું…

ભુજઃ શારીરિક રીતે કોઈ બીમારી હોવાથી વિદેશમાં જવા માંગતા લોકોને જી.સી.સી. માન્ય સર્ટિફિકેટ મળતું ન હોવાથી આવા લોકોને બનાવટી ભારતીય પાસપોર્ટ અને બનાવટી આધારકાર્ડ બનાવી તેનો ઉપયોગ કરવાના હેતુથી ગેરકાયદે કબજામાં રાખનારા એક આરોપીને પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડીને કચ્છમાં સંભવત: પ્રથમવાર ઝડપાયેલા નકલી મેડિકલ ફિટ સર્ટિફિકેટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

શું છે મામલો

પ્રાપ્ત વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ભુજ રેલવે મથક પાસે આવેલી હોટેલ દેવરાજ પેલેસ પાસેથી મૂળ રાજસ્થાનના સંજયકુમાર નટવરલાલ લુહારને અટકમાં લઇ, તેની પાસેથી તેના ફોટા અને બીજા વ્યક્તિના નામનો ભારતીય પાસપોર્ટ તથા આધારકાર્ડની કલર પ્રિન્ટ મળી આવી હતી.

આ રીતે ચાલતું હતું કૌભાંડ

પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, જી.સી સી માન્ય હોસ્પિટલમાં મેડિકલ રીતે ફિટ હોય તેવી ડમી વ્યક્તિને હાજર રાખી, મૂળ અરજદારના પાસપોર્ટ અને આધારકાર્ડમાં ડમી વ્યક્તિના ફોટા પ્રિન્ટ કરીને મૂળ વ્યક્તિના ઓરિજનલ પાસપોર્ટ અને આધારકાર્ડ સાથે ચેડાં કરીને તેમાં અનઅધિકૃત રીતે ફેરફાર કરી મેડિકલ ફિટનું પ્રમાણપત્ર લઈ આપી અને બાદમાં મૂળ વ્યક્તિના ફોટાવાળું પાનું પાસપોર્ટમરાં લગાવી મેડિકલી અનફિટ વ્યક્તિઓને ફિટ દર્શાવીને આ સમગ્ર કૌભાંડ આચરાતું હતું.

પોલીસે શું કહ્યું

આ મામલે ડીવાયએસપી મીનેષ ક્રિશ્ચિયને જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં કોણ-કોણ સંડોવાયેલું છે અને કેટલા વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલાયા છે તે જાણવા પકડાયેલા આરોપીની પૂછપરછ કરવા સહિતની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button