કચ્છઃ માવઠાને લીધે ઇસબગુલ, કપાસ અને જીરું સહિતના પાકમાં ભારે નુકસાનીની ભીતિ

ભુજઃ ગુજરાતમાં ચોમેર કમોસમી વરસાદના કહેરને લીધે વિવિધ ખેતપેદાશોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કચ્છમાં પણ બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સામાન્ય જનજીવન પર તો આની અસર થઈ છે, પરંતુ ખેડૂતોની મહેનત પર પણ પાણી ફરી વળ્યું છે.
જિલ્લા મથક ભુજમાં ગઈકાલ જેમ જ બપોર બાદ વરસેલા કમોસમી માવઠાને કારણે શહેરના ભાનુશાલી નગર, જ્યુબિલી ગ્રાઉન્ડ સર્કલ,જૂના બસ સ્ટેશન વિસ્તાર તેમજ જૂની બજારમાં પાણી ભરાઈ જતાં શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભુજ ઉપરાંત માંડવી, અબડાસા અને રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મીની વાવાઝોડાં સાથે માવઠું થયું હતું, જયારે રાપર તાલુકાના ગાગોદર અને આસપાસના માણાબા, મેવાસા, કાનમેર અને સાય સહિતના ભાતીગળ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે થયેલા અડધાથી પોણો ઇંચ જેટલા કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતાં ઇસબગુલ, કપાસ અને જીરું સહિતના પાકમાં વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
આ પણ વાંચો : ગીરમાં કમોસમી વરસાદ: મોઢવાડિયા-વાજાએ ખેતરોમાં જઈ નુકસાનીનો તાગ મેળવ્યો
આ ઉપરાંત સીમાવર્તી લખપત તાલુકાની આસપાસના બરદા,માતાના મઢ, વિરાણી, બિટીયારી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ એકાદ ઇંચ જેટલા છુટા છવાયા ઝાપટાં વરસ્યાં હોવાનું જાણવા મળ્યું છે જયારે નખત્રાણા તાલુકાના રવાપર પંથકમા પણ માવઠાનો માર ચાલુ રહેતાં નાગવીરી,નવાવાસ, ઘડાણી, વિગોડી,લીફરી,વાલ્કા નાના મોટા,ખીરસરા,રામપરમાં માર્ગો પરથી પાણી વહી નીકળ્યાં હતા જયારે ગાંધીધામ સંકુલ તેમજ અંજાર શહેરમાં બપોર બાદ થયેલાં માવઠાએ અડધા ઇંચ પાણી વરસાવી દીધું હોવાનું ભરત અંજારિયાએ જણાવ્યું હતું.દરમ્યાન, જલારામ જયંતીના પર્વની ચાલી રહેલી તડામાર તૈયારીઓને વરસાદને કારણે થોડી માઠી અસર પહોંચી હતી.



