પાંચ મહિનામાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બીજીવાર આવશે કચ્છની મુલાકાતે

ભુજઃ ભારતના કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આગામી ૨જી ઓક્ટોબર, ગાંધી જયંતીના દિવસે કચ્છના પાકિસ્તાનને અડકીને આવેલા ક્રીક વિસ્તારની મુલાકાતે આવનાર છે.
ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાન સાથે ઉભી થયેલી તનાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ખુબ અગત્યની રક્ષામંત્રીની ભારતીય સૈન્યદળના કાર્યક્રમની આ મુલાકાતને લઈને રક્ષા મંત્રાલય દ્વારા કચ્છના સરહદી વિસ્તારમાં ગતિવિધિઓ તેજ બનાવી દેવાઈ છે.
ઓપરેશન સિંદૂર ટાંકણે અપાયેલા સીઝફાયર વચ્ચે ૧૬મી મે, ૨૦૨૫ના રોજ ભુજના હવાઈ મથકની મુલાકાત બાદ સંરક્ષણ મંત્રી ભુજનું નામ જે પરથી પડ્યું તે ભુજિયા ડુંગર પર, વર્ષ ૨૦૦૧ના ગોઝારા ભૂકંપમાં માર્યા ગયેલા દિવંગતોની સ્મૃતિમાં બનાવાયેલાં ‘સ્મૃતિ વન’ અને અર્થકવેક મ્યુઝિયમની મુલાકાત પણ લીધી હતી.
આ પણ વાંચો: રાજનાથસિંહનું મોટું નિવેદન, કહ્યું પીઓકે આપમેળે જ ભારતમાં ભળી જશે
આ વેળાએ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી સિંહ અને ભારતીય વાયુસેનાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માત્ર પાંચ મહિનાના ટૂંકાગાળામાં રક્ષામંત્રી કચ્છની સંવેદનશીલ સરહદની મુલાકાતે આવનારા હોઈ, તંત્ર સાબદું બન્યું છે.
પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષનો જીવ ગયો હતો. ત્યારબાદ ભારત સરકારે પાકિસ્તાન સામે ઑપરેશન સિંદૂર શરૂ કર્યું હતું અને પાકિસ્તાની આતંકવાદી અડ્ડાઓને નેસ્તનાબૂદ કર્યા હતા. આ મુદ્દો આતંરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચાયો હતો. આ સમયે કચ્છ હાઈએલર્ટ પર હતું અને કચ્છમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની ડ્રોનને કચ્છમાં તોડી પડાયા હતા.