Kutch : મુંદરામાં યુવકની લાશ મળી તો માંડવીની પરિણિતાએ આપઘાત કર્યો…

ભુજઃ કચ્છમાં અપરાધ અને મૃત્યની બે ચોંકાવનારી ઘટના બની છે. એક તરફ ભુજના એક યુવાનની મુંદરામાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી છે અને તો બીજી બાજુ માંડવીની પરિણિતાએ આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
ભુજના યુવકની આવી હાલતમાં લાશ મળતા ચકચાર
તુંબડી ગામની ભાગોળે આવેલા પ્રસિદ્ધ ગજોડ ડેમ પાસે મંગળવારની સવારે ભેદી સંજોગોમાં ભુજના અંશુલ ધીરજલાલ ગોહિલ નામના યુવકનો લોહીલુહાણ અવસ્થામાં મૃતદેહ મળી આવતાં ચકચાર પ્રસરી છે. પ્રાગપર પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હતભાગી યુવકે શંકાસ્પદ મોત અગાઉ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયોમાં તે કહી રહ્યો છે કે, સારા લોકો માટે જ કાયદા કાનૂન છે, ક્રિમિનલ માટે ગુજરાતમાં જલસા છે. જેમાં તે અનેક લોકોએ શારીરિક, માનસિક અને સામાજિક રીતે પજવણી કરી હોવાની વાત કરી રહ્યો છે. પ્રાગપર પોલીસ મથકના પી.આઇ સિમ્પીએ જણાવ્યું હતું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાસ્થળે એફએસએલની ટુકડીની મદદ લેવામાં આવી રહી છે. આ ભેદી મૃત્યુની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી છે.
પરિણિતાની આત્મહત્યા બાદ સાસુ-સસરાની ધરપકડ
બંદરીય શહેર માંડવીની ગ્રીષાબેન ભાવિનભાઇ ચંદ્રકાંત ખેતાણી નામની પરિણીતાએ જામનગરમાં રહેતા સાસરિયાં દ્વારા કથિત રીતે અપાઈ રહેલા અસહ્ય ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેવાની ઘટના ઘટી છે. આ કરુણાંતિકા અંગે મૃતકના ભાઇ મિત નરેન્દ્ર માકાણીએ જામનગર પોલીસમાં ગ્રીષાના પતિ ભાવિન ખેતાણી, સાસુ બીનાબેન તથા સસરા ચંદ્રકાંત વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગ્રીષાને દહેજના મુદ્દે વારંવાર હેરાન-પરેશાન કરી, મારકૂટ કરી, શારીરિક અને માનસિક ત્રાસ સાસરિયાઓ દ્વારા આપવામાં આવતો હોઈ તેણીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
આ પણ વાંચો : ભુજના માધાપરમાં પૌષ્ટિક બાજરાના રોટલા બનાવવાની નવતર સ્પર્ધા યોજાઈ
હાલ આ બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની દહેજ પ્રતિબંધિત ધારાની કલમ ૦૪ મુજબ ગુનો નોંધી પતિ, સાસુ અને સસરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કરૂણ ઘટના પ્રકાશમાં આવતા કચ્છના બંદરીય માંડવીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.