અંજાર-મુંદરા ધોરીમાર્ગ પર ટ્રેઇલરમાંથી કન્ટેનર ખાબકતા ત્રણ યુવકોના મોત

ભુજઃ કચ્છમાં વધતા જતા ઔદ્યોગિકરણ વચ્ચે મુંદરાથી વાયા ખેડોઇ થઈને અંજાર જતા માર્ગ પર આજે ટેન્કર પરથી ફંગોળાઈને એક કન્ટેનર બાજુમાંથી પસાર થઇ રહેલા એક્ટિવા પર પડતાં તેના પર સવાર અંજારના ત્રણ યુવકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. આ લોહિયાળ અકસ્માતની વિગતો કચ્છભરમાં ફરી વળતાં ભારે અરેરાટી ફેલાઈ છે.
આ કરુણાંતિકા આજે મુંદરાથી અંજાર જતા માર્ગ પરના ખેડોઇ પાસે સર્જાઈ હતી જેમાં એક્ટિવા પર સવાર થયેલા યુવાનો પર ટ્રેલરમાં રહેલું કન્ટેનર ખાબકી પડતાં તે ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં અને તેમના શરીરના અવયવો રસ્તા પર ઠેર ઠેર વેરાતાં આસપાસના લોકોમાં કંપારી છૂટી હતી. મૃતકોમાં મેઘપર કુંબરડી ગામના અભિષેક ભાગવત પાટીલ (ઉ.વ ૨૫), અંજારના દિવ્ય મયુરભાઈ પંડ્યા (ઉ.વ ૨૧) અને અંજારના જ નૈતિકગીરી જીતેશગીરી ગોસ્વામી (ઉ.વ ૧૬)નો સમાવેશ થાય છે.
આપણ વાંચો: અમદાવાદમાં ડમ્પરનો કહેર: બે મહિલાનાં મોત, જાણો અકસ્માત કઈ રીતે થયો?
આ ત્રણ પૈકી બે યુવક એર કંડીશનરની સર્વિસિંગનું કામ કરતા હોવાનું જાણવા મળે છે, સગીર વયનો નૈતિક માત્ર ફરવા ખાતર તેમની સાથે ગયો હોવાનું માનવામાં આવે છે. આ અકસ્માતની ગંભીરતા એ છે કે, અંજારના રાજેન્દ્રસિંહ જાડેજા નામના રાજકીય અગ્રણીએ એવો આક્ષેપ કર્યો છે કે, ટ્રેઇલર ચાલક દારૂના નશામાં હતો અને નશાયુક્ત હાલતમાં ટ્રેલરના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેથી આ અકસ્માત સર્જાયો હતો.
જો કે ટ્રેઇલર ચાલકે આપેલી કેફિયત પ્રમાણે આ હાઇવે પર અચાનક ખાડો આવી જતાં પ્રથમ આ ટ્રેઇલર તેમાં ખાબક્યું હતું જેથી ટ્રેઇલર પર રખાયેલું કન્ટેનર ફંગોળાઈને બાજુમાંથી પસાર થતી ટ્રિપલ સવારી એક્ટિવા પર પડ્યું હતું.
આપણ વાંચો: અમદાવાદ મુંબઈ હાઈવે પર વડોદરા નજીક સતત ત્રીજા દિવસે ટ્રાફિક જામ સર્જાયો, વાહન ચાલકો પરેશાન
ઉલ્લેખનીય છે કે, અંજારથી મુંદરા વાયા ખેડોઇ જતા ધોરીમાર્ગ પર યમરાજના દૂત સમાન ટેન્કરોની સતત અવરજવર રહે છે. વળી અંજારથી નાગલપર રોડ વચ્ચે અનેક રહેણાંકની સોસાયટીઓ પણ છે તેથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર આ મહત્વના માર્ગ પર થતી હોય છે અને જાણે આ આખો અંજારથી મુંદરા સુધીનો ધોરીમાર્ગ અકસ્માત-ઝોન બન્યો હોય તેવી પરિસ્થિતિ છેલ્લા કેટલાક વર્ષોથી સર્જાઈ છે.