રહસ્યમય કન્ટેનરોનો તરતો પ્રવાહ: કચ્છના દરિયાકિનારે ત્રીજું કન્ટેનર તણાઈ આવતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં…

ભુજ: પાછલા કેટલાક વર્ષોથી પશ્ચિમ કચ્છના પાકિસ્તાનને અડકીને આવેલા સમુદ્ર કાંઠેથી માદક પદાર્થના બિનવારસુ પેકેટો, પાકિસ્તાની નેવીના વણફૂટેલાં સેલ સમયાંતરે મળી રહ્યા છે તેવામાં માલવાહક જહાજમાં જોવા મળતાં મહાકાય કન્ટેઇનરો કચ્છના દરિયામાં તણાઈ આવ્યા હોવાની ત્રીજી રહસ્યમયી ઘટનાથી કુતુહુલ સર્જાયું હતું.
મળતી વિગતો અનુસાર અબડાસા વિસ્તારના સૈયદ સુલેમાન પીર ટાપુ અને શિયાળબારી નજીક તણાઈ આવેલા બે કન્ટેઇનર બાદ હવે સુથરીના કિનારે વધુ એક કન્ટેનર તોફાની બનેલા સમુદ્રમાં હાલક-ડોલક થતું નજરે પડતાં સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી.
આ અગાઉ સૈયદ સુલેમાન પીર ટાપુ અને શીયાળબારી નજીક પાણીમાં તરતી બે કન્ટેનર ટેન્ક જખૌ મરીન પોલીસને ધ્યાને આવી હતી, પરંતુ હાલ દરિયામાં ભરતી હોવાને કારણે ભારે કરંટ હોવાથી પાણીમાં ફસાયેલા કન્ટેનરોને બહાર કાઢી શકાયા નથી.
પોલીસે શું આપી માહિતી?
કોઠારા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ વી.એમ.ઝાલાએ જણાવ્યું હતું કે, સુથરી નજીકના દરિયા કિનારે વધુ એક કન્ટેનર પાણીમાં તરતું દેખાતાં કસ્ટમ અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓને જાણ કરતા સ્થાનિકે તપાસ શરૂ કરવામાં આવી હતી.
દરિયા કાંઠે તણાઈ આવેલા કન્ટેઇનર પ્રાથમિક તપાસમાં કોઈ ક્રૂડ જહાજમાંથી પડી ગયેલા હોય તેવું દેખાઈ રહ્યું હતું. જોકે પાણીમાં રહેલા કન્ટેઇનર બહાર કાઢ્યા બાદ તેની અંદર શું છે, કયા જહાજના કન્ટેનર છે સહિતની વિગતો જાણવા મળશે.