મૂળ કચ્છના નિલયભાઈ અંજારિયાની એસસીના ન્યાયાધીશ પદ માટે કોલેજિયમે સર્વાનુમતે કરી ભલામણ…

ભુજઃ મૂળ કચ્છના બંદરીય શહેર માંડવીના અને ભારતની ન્યાય પ્રણાલી સાથે દાયકાઓથી નાતો ધરાવતા પરિવારના નિલય વિપીનભાઇ અંજારિયાની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણુંક કરવા માટે, નામદાર સર્વોચ્ચ અદાલતના કોલેજીયમએ સર્વાનુમતે ભલામણ કરી છે.
કોલેજીયમની તાજેતરમાં મળેલી બેઠકમાં હાલે કર્ણાટક હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસપદે સેવા આપતા જસ્ટિસ નિલયભાઇ વી. અંજારિયા ઉપરાંત ગૌહાટી હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ વિજય બિશ્નોઇ અને મુંબઇ હાઇકોર્ટનાં જજ એ. એસ. ચંદ્નકરની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે ભલામણ કરી હોવાનું જાહેર કરતાં કચ્છ સહીત બૃહદ કચ્છમાં હર્ષ સાથે ગૌરવની લાગણી ફેલાઈ છે.
અત્રે એ નોંધનીય છે કે, નિલયભાઇ અંજારિયાના દાદા સુબોધભાઇ અંજારિયા અને પિતા વિપીનભાઇ અંજારિયા માંડવીની અદાલતમાં ધારાશાસ્ત્રી તરીકે સેવાઓ આપી હતી, નિલયભાઇ અમદાવાદની ઉપલી અદાલતમાં પ્રેક્ટિસ કરતા હતા ત્યાંથી તેમની નિમણુંક કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે થઇ અને હવે વધારામાં તેઓ સર્વોચ્ચ અદાલતમાં પણ સેવા આપશે.
દાદા અને પિતા ઉપરાંત તેમના નાના જમિયતરાયભાઇ પણ કચ્છ જ્યારે ‘સી’ સ્ટેટ હતું ત્યારે રાજના સલાહકાર હતા અને તેમના મામા જસ્ટિસ કનુભાઇ વૈદ્ય હાઇકોર્ટના જજ તરીકે રહી ચૂક્યા છે. તેમના શ્વસૂર ઇશ્વરભાઇ દવે પણ ભુજ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હોવાનું ભુજના જાણીતા વરિષ્ઠ ધારાશાસ્ત્રી ભરતભાઇ ધોળકિયાએ જણાવ્યું હતું.
આપણ વાંચો : કલેક્ટર પ્રદીપ શર્મા સહિત ત્રણને સજાઃ કચ્છ જમીન કૌભાંડમાં આવ્યો ચુકાદો