કચ્છમાં ઉનાળાના ડેરાતંબુઃ યલો એલર્ટ વચ્ચે ભુજ ખાતે ૪૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું…

ભુજઃ ચૈત્ર મહિનાના સુદ પક્ષમાં દસ દિવસની બ્રેક બાદ જનજીવનને બાનમાં લેનારી ગરમી હવે જાણે રૌદ્ર રૂપ ધારણ કરી રહી હોય તેમ સુકાભટ્ઠ રણપ્રદેશ કચ્છમાં વર્તાઈ રહેલી હિટવેવની અસર હેઠળ પડી રહેલી ભીષણ ગરમીથી જનજીવન શેકાઈ રહ્યું છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા પેર સરક્યુલેશનની અસર હેઠળ રાજ્યના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં સહિતના મથકોમાં કમોસમી વરસાદ થતાં ગરમીમાંથી રાહત થઇ હતી, જો કે કચ્છમાં પૂર્વ-દક્ષિણ દિશાએથી વાતા ગરમ પવનોના સંગાથે ગરમીનું સામ્રાજ્ય ફરી છવાયું છે અને આજે ભુજ શહેરમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રીને પાર પહોંચી જતાં પંથકના માધાપર, આનંદસર, અંધૌ અને બળદિયા સહિતના વિસ્તારો સમગ્ર રાજ્યમાં સૌથી વધુ તપ્યા હતા.
ભુજ ઉપરાંત અંજાર, આદિપુર અને ગાંધીધામ વિસ્તારમાં આજે ઊંચા યુવી ઇન્ડેક્સ સાથે ૪૧ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાતાં ઔદ્યોગિક પટ્ટો જાણે અગનભઠ્ઠામાં પરિવર્તિત થઇ ઉઠ્યો છે. પશ્ચિમ કચ્છનું શીતમથક તરીકે ઓળખાતું નલિયા જાણે કંડલા-ભુજ સહિત રાજ્યના અન્ય શહેરોની સાથે હરિફાઇ કરતુ હોય તેમ આજે તાપમાન ૩૯ ડીગ્રી સે.પર રહેતાં ગરમ મથકોની યાદીમાં સ્થાન મેળવ્યું હતું.
યલો એલર્ટ વચ્ચે રણપ્રદેશના મોટાભાગના મથકોમાં પણ મહત્તમ તાપમાનનો આંક ૪૦ થી ૪૨ ડિગ્રી પર પહોંચ્યો છે જેને કારણે જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે. બપોરના બે વાગ્યા બાદ મોટાભાગના રસ્તાઓ સુમસામ બની જાય છે અને સાંજ સુધી જાણે કુદરતી સંચારબંધી હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ રહી છે, અલબત્ત સૂર્યાસ્ત બાદ લઘુતમ તાપમાન ૨૩થી ૨૬ ડિગ્રી વચ્ચે રહેતાં સૂના પડેલા માર્ગો મોડી રાત સુધી જીવંત બની જાય છે.
કચ્છના શહેરો ઉપરાંત સીમાવર્તી રાપરથી લઈ ખાવડા અને હાજીપીર સુધીની રણકાંધીના ગામો પણ ઊંચા મહત્તમ તાપમાનમાં હાલ શેકાઈ રહ્યાં છે.ગરમીનું આ મોજું હજુ વધુ આકરું થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.
આ પણ વાંચો : બે લાખ ફોટોગ્રાફ્સમાં કચ્છના આ યુવકની તસવીરે મેળવ્યું બીજું સ્થાન