પશ્ચિમ કચ્છ પર આફત: ટપોટપ મોત નીપજાવતા ભેદી તાવના પ્રકાર અંગે હજુ કોઈ માહિતી નહીં
ભુજ: પશ્ચિમ કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ફેલાયેલી ભેદી તાવની બીમારીનો તાગ મેળવવાના પ્રયાસ ચાલુ રહ્યા છે ત્યારે ગઈકાલે અસરગ્રસ્ત વિસ્તારોમાં હાથ ધરાયેલી સર્વેની કામગીરી દરમ્યાન બીજા ૨૦ જેટલા ભેદી તાવના કેસો બહાર આવ્યા હોવાનું જાણવા મળે છે અને અસરગ્રસ્તોનું વધુ તબીબી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
મળતી વિગતો પ્રમાણે લખપત તાલુકાના બરનદા, માતાના મઢ અને વાયોર પ્રાથમિક સારવાર કેન્દ્ર દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી આર. કુલમાલીના માર્ગદર્શન હેઠળ તાલુકાના બેખડાં, મોરગર વાંઢ, સાન્ધ્રો વાંઢ, મારી વાંઢ, વાલા વાળી વાંઢ નામના ગામોમાં ૨૫ જેટલી તબીબી ટુકડીઓ દ્વારા ઘરોઘર તપાસ કરાઈ હતી. જે દરમ્યાન ઍનોફલીસ મચ્છર, એડીસ મચ્છરની ઉત્પત્તિ થઇ હોય તેવા ૮૪૪ જેટલા સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી અને આ સર્વે દરમ્યાન વધુ ૨૦ જેટલા શંકાસ્પદ તાવના દર્દી, ૨૮ જેટલા તાવ સાથે શરદી, ગળામાં દુખાવો રહેતો હોય તેવા દર્દી મળી આવતાં આ ભેદી તાવનો રોગચાળો વધુ વ્યાપક થઇ રહ્યો હોય તેવી સંભાવના ઉભી થવા પામી છે.
મેલેરિયાના પરીક્ષણ દરમ્યાન ૨૪ જેટલા લોકોનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અત્યારસુધી લખપત અને અબડાસા તાલુકાઓમાં ૧૪ જેટલા દર્દીઓના મોત નીપજ્યાં છે જે પૈકી દસ દર્દીઓના મોત કયા વાઇરસ કે બેક્ટેરિયાથી થયાં છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. લખપત-અબડાસાના ગામોમાં ફેલાઈ રહેલા ભેદી તાવના કિસ્સાથી રાજ્યભરના આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. તસ્વીરમાં જુદી-જુદી આરોગ્ય ટુકડીઓ દ્વારા કરાઈ રહેલી કામગીરી અને ગ્રામજનો જોવા મળી રહ્યા છે.