કચ્છ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન ટાંકણે જ કચ્છમાંથી બહાર આવ્યું જાસૂસી કૌભાંડ: પત્રકાર પરિષદમાંથી ઝડપાયો જાસૂસ…

ભુજ: સરહદી જિલ્લા કચ્છમાં એકતરફ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભુજ મુલાકાતનો તખ્તો ગોઠવાઈ ચુક્યો છે ત્યારે તેમની મુલાકાતને ટાંકણે જ રાજ્યના ત્રાસવાદ વિરોધી દળે (ATS) એ એક પાકિસ્તાની જાસૂસને ઝડપી લેતાં આ બનાવને સુરક્ષા દળો અત્યંત ગંભીરતાથી લઇ રહ્યા છે. ચિંતાનો વિષય તો એ છે કે જે સ્થળે નરેન્દ્રભાઈ મોદી જવાના હતા તેવી વાત બહાર આવી હતી તે લખપત તાલુકાના માતાના મઢ ખાતેથી આ પાકિસ્તાનના જાસૂસને પ્રથમ એક મહિના પૂર્વે જ પકડવામાં આવ્યો હતો.

પરંતુ પૂછપરછના અંતે તેને જવા દેવામાં આવ્યો હતો. આ જાસૂસનું નામ સહદેવસિંઘ દીપુભા ગોહિલ હોવાનું અને તે અગાઉ લખપત તાલુકાના માતાના મઢ ખાતેના સરકારી આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય કર્મચારી તરીકે પણ કામ કરી ચૂક્યો હોવાનું પણ બહાર આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, ગોહિલ અદિતિ ભારદ્વાજ નામની મહિલાના પરિચયમાં આવ્યો હતો જે પણ પાકિસ્તાની જાસૂસ હોવાનું બહાર આવ્યું હતું. તેનાં કહેવાથી ગોહિલે ભારતીય નૌસેના અને સરહદી સલામતી દળ વિશેની સંખ્યાબંધ સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલી હતી જેને બદલે તેને રૂપિયા ૪૦,૦૦૦નું મહેનતાણું પણ અપાયું હતું.

મળતી માહિતી મુજબ સહદેવે જાન્યુઆરી ૨૦૨૫માં જીયોનો સીમકાર્ડ ખરીદ્યો હતો અને ફેબ્રુઆરી ૨૫માં તેણે પોતાના વ્હોટ્સએપ ખાતાનો ઓટીપી પાકિસ્તાની એજન્ટને આપ્યો હતો જેથી મહિલા પાકિસ્તાની જાસૂસ પણ આ વોટ્સએપમાં સંવેદનશીલ માહિતીઓને જોઈ શકે. સહદેવ ગોહિલના મોબાઈલ ફોનની ફોરેન્સિક એનાલિસિસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી મોકલાતા આ ફોનથી પાકિસ્તાન સાથે સંખ્યાબંધ માહિતી અને ડેટાની આપ લે કરવામાં આવી હોવાનું સુરક્ષા એજન્સીઓને જાણવા મળ્યું હતું.

તપાસનીશ એજન્સીના માનવા પ્રમાણે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ જ આ અદિતિ નામની જાસૂસનું નામ રાખ્યું હોઈ શકે છે અને હકીકતમાં તેનું નામ કોઈ બીજું પણ હોઈ શકે છે. અચરજની વાત એ છે કે ગોહિલને એક પત્રકાર પરિષદ દરમ્યાન ઝડપી પાડવામાં આવ્યો હતો. દરમ્યાન, પકડાયેલા જાસૂસને વધુ પૂછપરછ માટે અમદાવાદ લઇ જવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારની રાત્રે કચ્છની સીમાને અડકીને આવેલા ગુજરાતની બનાસકાંઠા સરહદ વાટે ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા શંકાસ્પદ ઈસમને ઠાર મારી દેવાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ સરહદી સલામતી દળના જવાનોએ તેને પડકારવા છતાં આ શખ્સ ભારતની સીમા તરફ આગળ વધી રહ્યો હતો જેથી તેને તત્કાળ ઠાર કરી દેવાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button