કચ્છમાં 24 કલાકમાં છ જણે જીવાદોરી ટૂંકાવીઃ મોટેભાગે કારણો અકબંધ…

ભુજઃ દેશભરમાં આત્મહત્યાના કેસ ચિંતા જગાવનારા છે. મોટેભાગે પરિવાર કે આસપાસના લોકોને સંકેતો નથી મળતા કે તેમની નજીકની વ્યક્તિ કઈ મનોસ્થિતિમાંથી પસાર થઈ રહી છે અને તે એટલા તણાવમાં છે કે જીવન ટૂંકાવવા જેવો અઘરો નિર્ણય લઈ લેશે. તો ઘણીવાર માનસિક રોગનો ઈલાજ કરાવવામાં સમય લાગી જતો હોય છે.
ગુજરાતમાં પણ રોજ યુવાથી માંડી વૃદ્ધોની આત્મહત્યાના કેસ બને છે, પરંતુ કચ્છમાં માત્ર 24 કલાકમાં છ જણે જીવનનો અંત આણતા ગમગીન માહોલ સર્જાયો છે. મોટાભાગની આત્મહત્યા પાછળના કારણો પણ બહાર આવ્યા નથી.
પ્રાપ્ત વિગતો મુજબ, ભુજની ભાગોળે આવેલા અને એશિયાના સૌથી ધનાઢ્ય ગામ તરીકે ઓળખાતા માધાપરના નવાવાસના જલારામ ધામમાં રહેતા ૨૭ વર્ષિય જિતેશ પ્રેમજી મકવાણાએ કોઈ અગમ્ય કારણોસર ગત સાંજે પોતાનાં ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ મોતનો માર્ગ અપનાવી લીધો હતો.
મૃતકના પિતા પ્રેમજીભાઈએ જાહેર કરેલી વિગતોના આધારે માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ ગાંધીધામના મીઠીહોર ખાતેના સિંઘલા ટિમ્બરમાં આત્મહત્યાનો કિસ્સો બનવા પામ્યો હતો જેમાં પ્રિન્સ શ્યામદેવ ઠક્કર નામના યુવાને અજ્ઞાત કારણોસર હુકમાં બાંધેલાં દોરડાં વડે ઞળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી.
આ જ રીતે, પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના ચોપડવા ગામમાં ઈન્ડો બ્રાન્ડ કંપનીમાં ગત તા. ૨૭ના મોડી રાત્રિના અરસામાં સંજય ગણપત કોલી નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના રૂમમાં લોખંડનાં એંગલ સાથે બાંધેલી દોરી વડે ગળાફાંસો ખાઈને પોતાની જીવાદોરી ટૂંકાવી લીધી હતી, જયારે અંજાર શહેરમાં ગત સાંજે ચારેક વાગ્યાના અરસામાં હતભાગી કાલી મન્નુ ભેડા નામના યુવાને માધવનગરમાં ગૌશાળાની બાજુમાં આવેલી બાવળની ગીચ ઝાડીમાં ફાંસો લગાવી આત્મહત્યા કરી લેતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ, મૂળ કોટડા બંદર (તા.કોડીનાર, જિ.ગીર-સોમનાથ) બાજુની ૨૨ વર્ષની યુવા પરિણીતા એવી વંદનાબેન બારિયાએ ગત બપોરે કોઈ અકળ કારણે અબડાસાનાં જખૌ બંદરે પોતાનાં ઘરનાં છાપરામાં ગળેફાંસો ખાઈને આયખું ટૂંકાવી લેતાં જખૌ મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને યુવા પરિણીતાએ લીધેલાં અંતિમ પગલાં પાછળનાં કારણો જાણવા તપાસ હાથ ધરી છે.
દરમ્યાન, ભુજ શહેરના રામનગરી ચારણ વાસમાં રહેનારી ૪૨ વર્ષીય શાંતાબેન આલાભાઈ ચારણ નામની માનસિક રીતે બીમાર મહિલાએ પોતાનાં ઘરે વધારે પડતી દવાઓ ખાઈ લેતાં સારવાર અગાઉ છેલ્લા શ્વાસ લીધા હતા. સ્થાનિક પોલીસે બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. મોટેભાગે આત્મહત્યા પાછળ ગરીબી, આર્થિક ભીંસ, પ્રેમ પ્રકરણો કે બીમારીના કારણો જવાબદાર હોય છે.
આ ઉપરાંત આજના એ.આઈના જમાનામાં દરેક ઉંમરના લોકો અન્યોની ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ જેવા સોશિયલ પ્લેટફોર્મ પરની પોસ્ટ જોઈ દેખા-દેખીમાં આવી જઈ, ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે. અભ્યાસના ભયાનક પ્રેશર વચ્ચે ફેક લાઇફસ્ટાઇલ દર્શાવતા બિલાડીના ટોપ જેમ ફૂટી નીકળેલા ઇન્ફ્લ્યુન્સર્સને જોઈને કિશોર વયના બાળકો તેમજ યુવાનો પોતાને ઉતરતી કક્ષાના સમજી અંતિમ પગલું પણ ભરતા થયા છે. આત્મહત્યાનું કારણ કોઈપણ હોય, આ રીતે જીવન ટૂંકાવી લેવાની બનતી ઘટના ઘર-પરિવાર નહીં પણ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે.
નોંધઃ આત્મહત્યાએ કોઈ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ લઈ શકો છો. મદદ માટે કોલ કરો ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 and 0261 6554050
વાંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)
આ પણ વાંચો…ભુજમાં એક પરિવારના ઘરની બાલ્કનીમાં અડધી રાત્રે કોઈ નવજાત બાળકીને મૂકી ગયું!



