કચ્છ

મોબાઈલ હેક કરીને લૂંટ: RTO ના નામે આવેલી ફાઈલ ખોલવી દુકાનદારને ભારે પડી, ₹50,200 ગુમાવ્યા…

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ યેનકેન પ્રકારે નાગરિકો સાથે થઇ રહેલી ઓનલાઇન ઠગાઈની સમસ્યા સતત વધી રહી છે તેવામાં પૂર્વ કચ્છના અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામની એક સોસાયટીમાં રહેતા એક દુકાનદારને સાયબર ક્રિમિનલોએ તેના વ્હોટ્સએપ પર આર.ટી.ઓ.ચલણની બોગસ લિંક મોકલાવી, દુકાનદારને ખાતામાંથી રૂા.૫૦,૨૦૦ મેળવી લીધા હતા.

મેઘપર બોરીચીની ઓધવદર્શન સોસાયટીમાં રહેતા અને વરસાણા ચોકડી ખાતે કરિયાણાની દુકાન ધરાવતા ચંદ્રકાંત ઉર્ફે જિગર કેશવલાલ ઠક્કરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.૭મી ઓક્ટોબર,૨૦૨૫ના સવારે તેમના વ્હોટ્સએપ પર આર.ટી.ઓ. ચલણની એક લિંક આવી હતી. આ લિંક પર ક્લિક કર્યા બાદ તેમનો સ્માર્ટફોન હેંગ થઇ ગયો હતો. તેઓએ સ્વીચ ઓફ કરવાનો પ્રયાસ કર્યો તેમ છતાં ફોન હેંગ થઇ, બે-અઢી કલાકમાં બંધ થઇ ગયો હતો.

આ લિંક મારફતે તેમના ફોનને હેક કરી, રિમોટ એક્સેસ મેળવીને સાયબર ગઠિયાઓએ પ્રથમ તેમના ખાતામાંથી રૂા.૪૦,૦૦૦ તથા રૂા.૧૦,૨૦૦ મળીને કુલ રૂા.૫૦,૨૦૦ બારોબાર મેળવી લીધા હતા. દરમ્યાન, હેંગ થયેલા મોબાઇલ ફોનને ચાલુ કરાવવા માટે હાર્ડ રીસેટ કરીને ફોર્મેટ કરાવ્યો હતો. બાદમાં તેમના ખાતામાંથી બારોબાર રૂપિયા ઊપડી ગયા હોવાનું બહાર આવ્યું હતું.

સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કોઇ અજાણ્યા નંબરથી આવેલી એ.પી.કે.ફાઇલ ન ખોલવા જણાવાય છે છતાં ચલણના નામે ડરી જઈને લોકો આવું કરતા હોય છે. વાસ્તવમાં આરટીઓ દ્વારા જે-તે વ્યક્તિના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર જ એસએમએસ દ્વારા ચલણ અંગે જાણકારી આપવામાં આવે છે. આવી કોઇ પણ એ.પી.કે. ફાઇલ ન ખોલવા સાયબર પોલીસે નાગરિકોને અપીલ કરી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button