કચ્છના આકાશમાં સૂર્ય ફરતે રચાયું મેઘધનુષી કુંડાળુ: લોકો રોમાંચિત…

ભુજઃ રણપ્રદેશ કચ્છના ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં મહાશિવરાત્રી પર્વના દિવસે સાંજના ચાર વાગ્યાની આસપાસ સૂર્યની ફરતે પૂર્ણ મેઘધનુષ્ય જેવું ગોળ કુંડાળું રચાતાં કૌતુક સર્જાયું હતું. કેટલાક ખગોળરસિકોએ પણ આ અદભુત કુદરતી કરિશ્માને કેમેરામાં કેદ કરી લીધી હતી. કચ્છમાં જિલ્લામથક ભુજ સહિત વાગડ સુધીના વિસ્તારોમાં ઠેર ઠેર સૂર્ય ફરતેનું કુંડાળું દેખાતાં લોકોએ રોમાંચ અનુભવ્યો હતો.
Also read : કચ્છના છારીઢંઢમાં વિસ્તારમાં 25 કુંજ પક્ષીનો શિકાર; પોલીસે શિકારીનો પીછો કર્યો પણ…
આ અંગે સ્ટાર ગેઝીંગ ઇન્ડિયાના જાણીતા ખગોળવિદ નરેન્દ્રભાઈ ગોર ‘સાગરે’ જણાવ્યું હતું કે, ભુજમાં વાદળછાયું વાતાવરણ હોઈ, સૂર્યની ફરતે મેઘધનુષ જેવું સર્કલ જોવામાં અવરોધ સર્જાયો હતો છતાં અનેકવાર સૂરજ આડેથી વાદળો હટી જતાં આ સર્કલ દેખાયું હતું. સાંજના ચાર વાગ્યાથી આ કુંડાળુ ક્યાંક ગાઢ તો ક્યાંક ઓછું દેખાયું હતું. અમુક વિસ્તારોમાં લોકોને સૂર્ય ફરતે પૂર્ણ રંગીન મેઘધનુષી કુંડાળુ જોવા મળ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
નરેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ ઘટના વાતાવરણના વિક્ષોભના કારણે સર્જાય છે. ગામઠી ભાષામાં તે વાળો’ કહેવાય છે. જ્યારે વિજ્ઞાની ભાષામાં તેસન હાલો ઇફેક્ટ ‘ તરીકે ઓળખાય છે. પૃથ્વીની સપાટીથી ૫થી ૧૦ કિલોમીટર વચ્ચે ટ્રોપોસ્ફિયર નામનું આવરણ આવેલું છે ત્યાં સાયરોસ્ટ્રેટસ નામના વાદળામાં રહેલો ભેજ સ્ફટિક સ્વરૂપ થાય ત્યારે સૂર્યના કિરણોનું પરાવર્તન થતાં ગોળ તેજોવલય રચાય છે.
Also read : અસાંજો કચ્છઃ ભુજના વાતાવરણમાં ‘ધરખમ’ ફેરફારઃ કાચી કેરીનું આગમન
આ વર્તુળ ૨૨ અંશનું હોય છે. ક્યારેક શ્વેત શ્યામ તો ક્યારેક રંગીન દેખાતું આ વર્તુળ બ્રહ્મધનુષ ‘તરીકે ‘ પણ ‘ઓળખાય છે. જ્યારે હવામાન વિભાગનું અસ્તિત્વ ન હતું ત્યારે અનુભવી લોકો આ વાળાને જોઈ વરસાદની આગાહી કરતા હતા. મોસમ વિજ્ઞાનીઓ પણ સૂર્ય કે ચંદ્ર ફરતે દેખાતા વાળાને વાતાવરણમાં પરિવર્તન તરીકે જુએ છે. કચ્છના લોકો આ વર્ષે પણ સારો વરસાદ થવાની આશા રાખી રહ્યા છે ત્યારે સૂર્ય ફરતે દેખાયેલા તેજોમય વર્તુળે લોકોમાં નવી આશા જગાડી છે.