રાપર: પાબુજી મંદિરમાં અસામાજિક તત્વોએ 5 મૂર્તિ ખંડિત કરી, ભક્તોમાં રોષ

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાપરઃ કચ્છના રાપર તાલુકાનાં ખીરઈ ગામ ખાતેના પ્રસિદ્ધ પાબુજી દાદાનાં મંદિરમાં રહેલી પાંચ મૂર્તિઓને ખંડિત કરી, ઐતિહાસિક શૂરાપૂરા પાળિયાને ધારદાર હથિયાર વડે ઘા મારી ખંડિત કરવાનો હીન પ્રયાસ કરીને શાંતિ-એખલાસ ડહોળવાનો અજ્ઞાત શખ્સો દ્વારા પ્રયાસ કરવામાં આવતાં ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા.૨-૧થી ૩-૧ની સવાર સુધીના અરસામાં રાપરના ખીરઈ ગામની ઉત્તર દિશામાં આવેલાં પાબૂજી મંદિરમાં કેટલાક અસામાજિક તત્વો કોમી શાંતિને ડહોળવાના આશયથી ઘૂસ્યા હતા.તેઓએ પાબુજીદાદાની પાંચ મૂર્તિમાં તોડફોડ કરીને સંપૂર્ણ ખંડિત કરી નાખી હતી અને બાદમાં મંદિરની બાજુમાં આવેલા ઐતિહાસિક શૂરાપૂરા પાળિયાને હથિયારના ઘા મારી ખંડિત કરવાનો હીન પ્રયાસ કરવામાં આવતાં શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી પ્રસરી હતી.
મંદિરમાં તોડફોડ કરનારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ જાણીતા ગૌ સેવક જગુભા વેલુભા જાડેજાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.



