કચ્છ

ખુશખબર! કચ્છમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, હમીરસર તળાવમાં નવા નીર!

ભુજ: સમગ્ર રાજ્યની સાથે-સાથે પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં એકથી ચાર ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાતાં ખેડૂતોએ હવે વાવણી કાર્ય શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં કોરા ધાકોર રહેલા ભુજમાં પણ આજે દિવસભર વરસાદે રમઝટ બોલાવી હતી અને અંદાજે બે ઇંચ જેટલો વરસાદ પડી જવા પામ્યો છે. આજે વરસેલા વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોના ગોઠણડૂબ પાણી ભરાઈ જતાં શહેરીજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બસ સ્ટેશન વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. અલબત્ત ભુજ શહેરની શાનસમા હમીરસર તળાવમાં નવા નીરની આવક થતાં સાંજે મેળા જેવો માહોલ છવાયો હતો.

નખત્રાણા તાલુકામાં એકથી દોઢ ઇંચ વરસાદ
ભુજ ઉપરાંત નખત્રાણા તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં એકથી દોઢ ઇંચ પાણી વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. પશ્ચિમ કચ્છના નાગવીરી, ઘડાણી, વિગોડી, રામપર સરવા, ખિરસરા, રતડિયા, હરીપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અવિરતપણે ધીમી ધારે વરસાદ વરસવો ચાલુ રહ્યો હતો. નખત્રાણા ઉપરાંત સીમાવર્તી અબડાસા તાલુકામાં પણ ગોરંભાયેલા માહોલ વચ્ચે મોટા ભાગના મથકોમાં વહેલી સવારથી જ ભારે વરસાદી ઝાપટાં ચાલુ રહ્યાં હતા.

બિટ્ટા, બાલાપર, બુડધ્રો, વમોટી નાની, વમોટી મોટી, ભારાપર, પાટ, ખાનાય, ધુફી મોટી અને નાની સહિતના ગામોમાં સરેરાશ દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત જખૌનાં સિંધોડી, લાલા, બુડિયા, રાપરગઢ, સુથરી, છંછીમાં પણ છૂટો છવાયો ઝરમર વરસાદ સતત ચાલુ રહેતાં સરેરાશ સવા ઇંચ વરસાદ પડી ગયો હતો. તાલુકાના છારીઢંઢ પક્ષી અભ્યારણ ખાતે પણ નોંધપાત્ર વરસાદ વરસી જતાં આ વખતે સુરખાબ પક્ષીઓનું આગમન સમયસર થવાના એંધાણ વર્તાયા છે.

અત્યાર સુધીમાં પડેલા વરસાદને લઈને સીમાડાઓમાં લીલા ઘાસ ફૂટી નીકળ્યાં છે, જેથી પશુઓને રાહત પહોંચશે. પાકિસ્તાનની સીમાને અડકીને આવેલા અબડાસા તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. કચ્છના બન્ની પંથક તેમ જ પૂર્વ કચ્છના ભચાઉ, રાપર, સામખિયાળી તેમ જ મુંદરા અને માંડવી ખાતે પણ વાવણીલાયક વરસાદ નોંધાયો છે.

દરમિયાન મધ્ય ભારત બાદ, ગુજરાત પરથી પસાર થઇ રહેલા મોન્સૂન ટ્રેકને કારણે આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ યથાવત રહેવાની સાથે કેટલાક સ્થળોએ ઓરેન્જ અને યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતાં સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.

આપણ વાંચો : ભચાઉમાં જંગી સમુદ્રી કાદવમાં ચાર ઊંટડીઓ ફસાઈઃ રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાશે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button