કચ્છ

રાજસ્થાનથી કચ્છમાં નશીલા પદાર્થો ઘુસાડવાનું રેકેટ નિષ્ફળ; વાવ-થરાદ પોલીસે ભુજના ૩ યુવાનોને દબોચ્યા…

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ પાડોશી રાજ્ય એવા રાજસ્થાનથી કચ્છના પાટનગર ભુજ કારમાં આવી રહેલા ત્રણ યુવાનો પાસેથી ચેકપોસ્ટ પર અંગજડતી દરમ્યાન માદક પદાર્થ ચરસ મળી આવતાં ચકચાર પ્રસરી છે.

આ કાર્યવાહી અંગે વાવ-થરાદ પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ૩૧મી ડિસેમ્બર સંદર્ભે માદક પદાર્થોની હેરફેર રોકવા માટે ગુજરાત પોલીસ દ્વારા સતર્કતા વધારી દેવામાં આવી છે. રાજસ્થાનને અડીને આવેલી ખેડાની આંતરરાજ્ય ચેકપોસ્ટ ખાતે પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ ચાલી રહ્યું હતું એ દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી કાર જીજે-૧૨-એફઈ-૧૦૯૩ને રોકવામાં આવી હતી. અંદર બેઠેલા હમીદ કાસમ ચાવડા, સમીર અબ્દુલગની કુરેશી અને સબીરહુસેન અલીમહમદ સોઢા (રહે. ત્રણે ખારીનદી રોડ, ભુજ)ની અંગઝડતી દરમ્યાન માદક પદાર્થ ચરસ (કેનાબિસ) ૧૪ ગ્રામ કિં.રૂા. ૩૫૦૦ મળી આવ્યું હતું.

આ કાર્યવાહી દરમ્યાન ત્રણ સ્માર્ટફોન કિં.રૂા.૧૫૦૦૦ અને રિનોલ્ટ કાર કિં.રૂા. ૧૦ લાખ સહિત કુલ રૂા.૧૦,૧૮,૫૦૦ના મુદ્દામાલ સાથે તમામ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈ એ અભિયાન નહીં પણ જંગ

તાજેતરમાં નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બે દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં તેમણે કહ્યું,ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈ એ અભિયાન નહીં પણ ‘જંગ’ છે. યુવાનોની સાથે આપણા પરિવારને પણ ભવિષ્યમાં ડ્રગ્સના દુષણથી સુરક્ષિત કરવા માટે આ ખૂબ જરૂરી છે.

નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનોની સાથે આપણા પરિવારને પણ ભવિષ્યમાં ડ્રગ્સના દુષણથી સુરક્ષિત કરવા માટેનો આ જંગ છે. આપણી ડ્રગ્સ સામેની કાર્યવાહીમાં કોઈપણ બાંધછોડ કરવાની નથી.ગુજરાત પોલીસ આ ડ્રગ્સ સામેના જંગમાં સખ્તાઈ -કડકાઈથી કામ લઈ રહી છે તે માટે પોલીસ અધિકારીથી પોલીસ કોન્સ્ટેબલ સુધીના તમામ કર્મયોગીને ખૂબ ખૂબ અભિનંદન.

નાયબ મુખ્ય પ્રધાન સંઘવીએ અમદાવાદ અને સુરત પોલીસ કમિશનરને ડ્રગ્સ સામેની સારી કામગીરી કરવા બદલ અભિનંદન આપતાં કહ્યું હતું કે, તાજેતરમાં સુરતમાં હાઇબ્રીડ ગાંજો પકડીને પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વર્ષ ૨૦૨૨ કરતાં ડ્રગ્સ સામેના કેસમાં મોટો વધારો આવ્યો છે જે આપણા સૌની સારી કામગીરી દર્શાવે છે. ડ્રગ્સ માફિયા સામે માનવતાની રીતે નહીં પણ કડકાઇથી કામ લેવાનું ચાલુ રાખવાનું છે. ડ્રગ્સ નેટવર્ક તોડવામાં ગુજરાત પોલીસ સતત કાર્યવાહી કરી રહે છે તે બદલ નાયબ મુખ્ય પ્રધાને સૌને અભિનંદન આપીને બિરદાવ્યા હતા.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button