
ભુજઃ થોડા સમય અગાઉ વાયોર પોલીસ મથકમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા અને લાંચના છટકામાં ઝડપાયેલા મયૂરસિંહ અજીતસિંહ સોઢાને પાંચ વર્ષની સખત કેદ તથા રૂપિયા ૧૦,૦૦૦ના દંડની સજા ફટકારી ધાક બેસાડતો ચૂકાદો અત્રેની નામદાર અદાલતે આપ્યો છે.
આ કેસની જાણવા મળતી વિગતો મુજબ આરોપી મયૂરસિંહે અરજદાર પાસે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીનો કેસ ન કરવા ૧૫ હજાર માંગ્યા હતા, જે પૈકી અરજદારે ૮૦૦૦ રોકડા આપ્યા અને બાકી બચેલા ૭ હજારની લાંચની રકમ ચૂકવવા માટે આરોપી ફરિયાદીને વારંવાર ફોન કર્યા કરતો હતો, જેનું અરજદારે રેકોર્ડિંગ કરી લીધું હતું. મયૂરસિંહનો ત્રાસ વધી જતાં તેણે લાંચ રૂશ્વત વિરોધી શાખાને જાણકારી આપતાં તેને પકડવાનું છટકું ગોઠવાયું હતું.
પંચની હાજરીમાં આરોપી લોકરક્ષકે રૂ. ૪૦૦૦ સ્વીકારી લીધા હતા અને આરોપી મયૂરસિંહને એલસીબીની હાજરી અંગે શંકા જતાં તેણે સ્વીકારેલી ચલણી નોટોનો નાશ કરવા ચાવી ગયો હતો!. ત્યારબાદ ચાવી ગયેલી ચલણી નોટોને વાયોરનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબને બોલાવીને મોઢામાંથી બહાર કઢાવી હતી.
જે-તે સમયે ચકચારી બનેલો આ કેસ ડિસ્ટ્રીક સેશન્સ જ્જ ડી.પી. મહીડાની અદાલતમાં ચાલી જતા ફરિયાદ પક્ષે ૩૭ દસ્તાવેજી પુરાવા તથા સાત સાક્ષી તપાસી જુદી-જુદી કલમોમાં આરોપી મયૂરસિંહને તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સખત કેદ તથા પાંચ-પાંચ હજાર એમ ૧૦ હજારનો દંડ અને જો તે દંડ ન ભરે તો વધુ એક-એક મહિનાની સજા આપતો હુકમ કર્યો હતો.ફરિયાદ તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા હાજર રહી સાક્ષીઓ તપાસ્યા હતા અને કોર્ટરૂમમાં દલીલો કરી હતી.