વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા કચ્છ થયું સજ્જ, જાણો કેવી છે તૈયારી?
સવાયા કચ્છી વડા પ્રધાનના હસ્તે 53 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ઈ-લોકાર્પર્ણ કરવામાં આવશે

ભુજઃ પહલગામ આતંકવાદી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી બદલો લીધો હતો. આ ઓપરેશન દરમિયાન 100થી પણ વધારે આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો. જેથી આંતકવાદ વિરુદ્ધ ભારતીય સૈન્ય દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલા ઓપરેશન સિંદૂર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત પણ કરવાના છે.
ભુજમાં વડા પ્રધાનનો દોઢ કિલોમીટર લાંબો રોડ-શો પણ યોજાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 અને 27 મેના દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં અનેક વિકાસ કામોનું ઈ-લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. 26મી તારીખે બપોરે ભુજના હિલગાર્ડન પાસેથી કોલેજ રોડ પર બનાવવામાં આવેલા વિશાળ સભાખંડ સુધી વડા પ્રધાનનો દોઢ કિલોમીટર લાંબો રોડ-શો પણ યોજાશે. જેમાં કેસરી રંગની સાડીમાં સજ્જ અંદાજે દસ હજાર જેટલી મહિલાઓ સિંદૂર ધારણ કરીને નરેન્દ્ર મોદીને આવકારશે તેમજ ઉપસ્થિત જનમેદની હાથમાં 1000 મીટરનો ત્રિરંગો લહેરાવી પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરશે.
53,414 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે
સભાખંડમાં વડાપ્રધાનના હસ્તે 53,414 કરોડના ખર્ચે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. ભુજમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, પાવરગ્રીડ તેમજ દીનદયાલ પોર્ટ ઓથોરિટીના કુલ 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ વિકાસકાર્યોથી કચ્છ અને રાજ્યના અન્ય જિલ્લાઓની વિકાસયાત્રાને વધુ વેગ મળશે અને વડા પ્રધાનના વિકસિત અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત વધુ મજબૂતીથી આગળ વધશે.
સરકારી ઈમારતોને ‘ઓપરેશન સિંદૂર’ના બેનરોથી શણગારાઈ
આ દરમિયાન, વડા પ્રધાનની ભુજ મુલાકાતની પૂર્વ સંધ્યાએ શહેરના તમામ સર્કલો તેમજ સરકારી ઈમારતોને ‘ઓપરેશન સિંદૂર’ના બેનરો તેમજ રોશનીથી શણગારી દેવામાં આવ્યા છે. એક લાખથી વધુ જનમેદનીનો સમાવેશ થઈ શકે એ પ્રકારના પાંચ વોટર અને હીટપ્રુફ વાતાનુકુલિત ડોમનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેમજ કોલેજ રોડની બંને તરફના ફૂટપાથને પણ ઓપરેશન સિંદૂરની થીમ વડે સુશિભિત કરી દેવાયા છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અત્યારે કચ્છના લોકો વડા પ્રધાનનું સ્વાગત કરવા માટે આતુર હોવાનું જાણવા મળ્યું છે.
આપણ વાંચો : પીએમ મોદી ₹1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3નું ખાતમુહૂર્ત કરશે