માતાના મઢ પતરી વિધિ વિવાદઃ મંદિરના મહંત સહિતના અન્ય લોકો સામેનો ૨૦ કરોડનો બદનક્ષી કેસ કોર્ટે ફગાવ્યો…

ભુજ: કચ્છના દેશ દેવી ગણાતા આશાપુરા માતાજીના મંદિરે દર વર્ષે નવરાત્રીની આઠમના દિવસે રાજાશાહી વખતથી યોજાતી પતરી વિધિ કોણ કરશે એ મુદ્દે રાજપરિવારના સભ્યો વચ્ચે કોર્ટમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે કચ્છના રાજવી કુટુંબના અંતિમ મહારાવ પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા દાખલ કરવામાં આવેલો ૨૦ કરોડનો બદનક્ષીનો દાવો નખત્રાણાની નામદાર અદાલતે ફગાવી દીધા ઉપરાંત પોતાને મહારાવના કુંવર તરીકે ઓળખાવતા નલિયાના ઈન્દ્રજીતસિંહ જાડેજાનો ચાર કરોડનો માનહાનીનો દાવો ફગાવી દીધો હતો.
વર્ષ ૨૦૦૯માં આસો નવરાત્રીની પુર્ણાહુતી સમયે માતાના મઢ ખાતે માતાજીના મંદિરે રાજવી પરિવારના મોભી પૃથ્વીરાજસિંહ જાડેજાએ નલિયાના જુવાનસિંહ જાડેજાના હાથમાં ચામર આપીને માતાજીની પતરી વિધિ કરવાનો પ્રયાસ કર્યો હતો.

એ વખતે મંદિરના મહંત યોગેન્દ્રસિંહજી રાજાબાવાએ તેમને અટકાવી દેતાં આ સમગ્ર મામલાને પોતાના માન-સન્માન સાથે જોડી મહારાવે આશાપુરા મંદિરના મહંત સામે તા.૨૬-૦૯-૨૦૦૯ના રોજ માતાના મઢ ખાતે આવેલા માઁ આશાપુરા મંદિરમાં તેમના પ્રતિનિધિ એવા નલિયાના જુવાનસિંહને પતરી વિધિ કરતા અટકાવનારા આ મંદિરના મહંત યોગેન્દ્રસિંહજી બાવા સહિત અન્ય લોકો વિરુદ્ધ માનહાનિ અંગેનો નખત્રણા કોર્ટમાં કેસ કર્યો હતો.
20 કરોડની બદનક્ષીના આ કેસની સુનાવણી દરમિયાન પૃથ્વીરાજસિંહ જાડેજાનું અવસાન થતા તેમના પત્ની મહારાણી પ્રિતિદેવીએ વારસદાર-પક્ષકાર તરીકે આ કેસમાં સામેલ થયા હતા. બીજી તરફ મહારાવ ત્રીજાની જેમ નલિયાના જુવાનસિંહ જાડેજાએ પણ સમગ્ર મુદ્દે મહંત વિરુદ્ધ ચાર કરોડનો માનહાનિનો કેસ કર્યો હતો. તેમનું પણ અવસાન થતા તેમના વારસ તરીકે તેમના પુત્ર ઈંદ્રજિત જાડેજા પક્ષકાર તરીકે આ કેસમાં જોડાયા હતા.
મંદિરના મહંત યોગેન્દ્રસિંહજી રાજાબાવાના તરફથી આ સમગ્ર મામલાના કેસની પેરવી કચ્છના પૂર્વ ડીજીપી અને સિનિયર એડવોકેટ યોગેશ ભાંડારકર તથા મહારાવ પ્રાગમલજી ત્રીજાના સહોદર એવા હનુવંતસિંહજી જાડેજા અને અન્ય વતી એડવોકેટ જે. કે. ઠક્કર કરી હતી. બંને પક્ષની દલીલ રજૂઆતો અને આધાર પુરાવાને ધ્યાનમાં લઈને નખત્રાણાની પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટના જજ દ્વારા સ્વર્ગસ્થ મહારાવનો ૨૦ કરોડ અને જુવાનસિંહનો ૪ કરોડનો માનહાનિનો દાવો ફગાવી દીધો હતો.
નોંધનીય બાબત એ છે કે માતાના મઢમાં પતરી વિધિ કરવા માટે લાંબા સમયથી કચ્છના રાજપરિવારમાં ચાલી રહેલા કાયદાકીય ગજગ્રાહમાં ગત વર્ષે ગુજરાતની વડી અદાલતે મહારાવ પ્રાગમલજી ત્રીજાના નાના ભાઈ હનુવંતસિંહ મદનસિંહ જાડેજાને રાજકુળના વંશજ, લોહીના સંબંધી અને સીધી લીટીના વારસદાર ગણાવી તેમને પતરીની પવિત્ર પૂજાવિધિ કરવાની મંજૂરી આપી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં રાજાશાહી પરંપરા અનુસાર માતાના મઢમાં આસો નવરાત્રિની આઠમના દિવસે રાજવી પરિવાર દ્વારા વહેલી સવારે પતરી વિધિ કરવામાં આવે છે જેમાં ડાકના તાલે આશાપુરા માતાજીના ખભા ઉપર રાખેલી આવળ નામની વનસ્પતિના ગુચ્છામાંથી તૈયાર કરેલી પતરીને પાલવ પાથરી ખોળામાં પ્રસાદરૂપે ઝીલી રાજવી પરિવાર કચ્છ અને કચ્છની પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરે છે. મોડી રાત્રે હવનમાં બીડું હોમાયની સાથે નોરતાની પૂર્ણાહુતિ થાય છે અને શ્રદ્ધાળુઓ તેમના ઘરે સ્થાપેલા ગરબાઓની જળાશયોમાં પધરાવે છે.
આ પણ વાંચો…રાજવી પરિવાર વચ્ચે ચાલતા કાનૂની વિવાદને કારણે માતાના મઢ ખાતે બે વખત પતરી વિધિ