કચ્છની લખપતવાળી ક્રીકમાંથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો, પૂછપરછ શરૂ…

ભુજ: પાકિસ્તાન દ્વારા ગુજરાત સહીત દેશના અન્ય રાજ્યોમાં ભાંગફોડ કરવાના મલિન ઈરાદાને પાર પાડવા માટે કચ્છની ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમાએથી ઘુસણખોરીના બનાવો સમયાંતરે સામે આવી રહ્યા છે. ત્યારે કચ્છની લખપતવાળી સંવેદનશીલ ક્રીકમાંથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો હતો.
આ અંગે મળી રહેલી સત્તાવાર વિગતો મુજબ, કચ્છની સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવી લખપતવાળી ક્રીક વિસ્તારમાં ફેન્સીંગ પાર કરીને ઘુસી આવેલા એક પાકિસ્તાની નાગરિકને બી.એસ.એફ.ના જવાનોએ ફુટ પેટ્રોલિંગ દરમ્યાન ઝડપી લીધો હતો. હાલ આ પાકિસ્તાનીની સઘન પૂછતાછ જારી હોવાનું જાણવા મળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત માર્ચમાં પણ ભારત-પાકિસ્તાનની સીમા ઓળંગીને એક કિશોર વયનો યુવક પાકિસ્તાની પોતાના પરિવાર સાથે લડી-ઝઘડીને છેક ખાવડા ખાતેના સોલાર એનર્જી પાર્ક સુધી ૨૫ કિલોમીટર અંદર સુધી પહોંચી આવ્યો હતો. વિવિધ એજન્સીઓની પૂછપરછના અંતે હાલમાં આ અંગે ખાવડા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો.