Top Newsકચ્છ

કચ્છ સરહદ બની “ઘૂસણખોરીનું પ્રવેશદ્વાર’? બે મહિનામાં બીજી વખત પાકિસ્તાની યુગલ પકડાયું…

ભુજ: કચ્છને અડીને આવેલી ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ જાણે ઘૂસણખોરીનું પ્રવેશદ્વાર બની રહી હોય તેવી ઘટના ફરી પ્રકાશમાં આવી છે, જો કે ભારતીય સીમા સુરક્ષા દળએ ઘૂસણખોરી કરનાર પાકિસ્તાની યુગલની અટકાયત કરી લીધી હતી.

મળતી વિગતો અનુસાર, ભારતીય સીમા સુરક્ષા દળ (BSF) એ સોમવારે કચ્છના રાપર તાલુકામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પાસેથી વધુ એક પાકિસ્તાની યુગલની અટકાયત કરી હતી. ઝડપાયેલા યુગલની ઓળખ પોપટ નાથુ (24) અને ગૌરી ઉર્ફે ગુલાબ મુંગરીઓ તરીકે થઈ છે.

જેઓ પાકિસ્તાનના સિંધ પ્રાંતના મિઠી ગામના રહેવાસી છે. BSF જવાનોએ તેમને સરહદ પિલર નંબર 1016 નજીકથી પકડ્યા હતા. આ યુગલને કુડા ગામ નજીક આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગવાનો પ્રયાસ કરતી વખતે આંતરી લેવામાં આવ્યું હતું અને તેમની વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી હતી.

ખાસ વાત એ છે કે છેલ્લા બે મહિનામાં કચ્છ સરહદ પરથી પાકિસ્તાની યુગલની અટકાયતનો આ બીજો બનાવ છે. આ પહેલાં, ખડીર વિસ્તારમાં રતનપર નજીકથી ટોટો અને મીના નામના યુગલને પકડવામાં આવ્યું હતું. BSFના અધિકારીઓએ આ યુગલને કાયદેસરની કાર્યવાહી માટે બાલસર પોલીસને સોંપી દીધું છે અને બાલસર પોલીસ સ્ટેશનમાં તેમની સામે ઔપચારિક ફરિયાદ નોંધવામાં આવે તેવી શક્યતા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, કચ્છની સરહદ – ખાસ કરીને ખડીર અને રાપર વિસ્તારમાં – આવી ઘૂસણખોરીના કિસ્સાઓ અવારનવાર નોંધાય છે. અગાઉ પકડાયેલા પાકિસ્તાની પ્રેમીઓએ પોતાને સગીર ગણાવ્યા હતા, પરંતુ તેમના મેડિકલ રિપોર્ટમાં પુખ્ત હોવાની પુષ્ટિ થયા બાદ તેમની ધરપકડ કરીને તેમને ગળપાદર જેલમાં મોકલી દેવાયા હતા.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button