'કચ્છી ભરતકામ'ને વિશ્વમાં પહોંચાડનાર 'કરોડપતિ' પાબીબેનની પ્રેરક સ્ટોરી જાણો! | મુંબઈ સમાચાર
કચ્છનેશનલ

‘કચ્છી ભરતકામ’ને વિશ્વમાં પહોંચાડનાર ‘કરોડપતિ’ પાબીબેનની પ્રેરક સ્ટોરી જાણો!

ભણતર અધૂરું, મહેનત પૂરી: દિવસના 1 રૂપિયો કમાતા પાબીબેન આજે 300થી વધુ મહિલાઓને આપે છે રોજગારી

જીવનમાં સફળ થવા માટે એ જરૂરી નથી કે તમારી પાસે મોટી મોટી ડિગ્રીઓ હોય, કહેવાય છે કે ક્યારેક હાથનું હુન્નર પણ જીવનને સફળતાના ઉચ્ચ શિખરો સુધી પહોંચાડી આપે છે. આજે ગુજરાતનાં કચ્છનાં એક એવા મહિલાની વાત કરવાના છીએ કે જેમનું જીવન અનેક પડકારોમાં વીત્યું, બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી, ભણતર છૂટ્યું, મજૂરી પણ કરી અને આખરે કચ્છી ભરતકામના હુન્નરને દુનિયામાં પહોંચાડ્યું. આ વાત છે કચ્છના પાબીબેન રબારીની કે જેઓ આજે PabiBen.com નામની એક વેબસાઇટ પણ ચલાવે છે અને 300થી પણ વધુ મહિલાઓને રોજગારી પૂરી પાડે છે.

ચોથા ધોરણમાં શિક્ષણ અધૂરું છોડ્યું

ગુજરાતમાં કચ્છ જિલ્લો કળા અને હસ્તકળાની બાબતમાં હંમેશાં અગ્રેસર રહ્યો છે. કચ્છના કુકડસર ગામમાં જન્મેલા પાબીબેન રબારીએ હસ્તકળા ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે અને રબારી ભરતકામને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી છે. ચોથા ધોરણમાં શિક્ષણ અધૂરું છોડી દેનારા પાબીબેન આજે સફળ એન્ટરપ્રિન્યોર છે અને અનેક મહિલાઓને રોજગારીની તકો આપે છે. ગુજરાતની આવી જ ખમીરવંતી મહિલાઓની સાફલ્ય ગાથા આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC)માં ઝળકશે અને અન્ય મહિલાઓને પણ પ્રેરિત કરશે.

એક જમાનામાં દિવસમાં માંડ રુપિયો કમાતા

કચ્છના કર્મવીર તરીકે જાણીતાં પાબીબેનનું જીવન પડકારભર્યું રહ્યું છે. પાંચ વર્ષની ઉંમરે પિતાને ગુમાવ્યા બાદ તેઓ માતા સાથે પાણી ભરવાનું કામ કરતા હતા. આ માટે તેમને ₹1નું વેતન મળતું હતું. જો કે, પાબીબેને પડકારોને સ્વીકારીને નાની વયથી જ ભરતકામ શીખવાનું શરૂ કર્યું અને તેઓ આ કળામાં પારંગત બન્યા. એક સમયે પાબીબેન માત્ર એક રૂપિયો કમાતા હતા અને આજે તેઓ PabiBen.com (પાબી ડિઝાઇન્સ પ્રાઇવેટ લિમિટેડ) નામની એક વેબસાઇટ ચલાવે છે. હસ્તકળા ક્ષેત્રે આજે આ વેબસાઇટ જાણીતું નામ છે અને તે 300થી વધુ મહિલાઓને રોજગારી આપે છે. તાજેતરમાં તેમને શાર્ક ટેન્ક ઇન્ડિયામાં ₹ 50 લાખનું ભંડોળ મળ્યું છે. શાર્ક ટેન્ક ઇન્ડિયામાં તેમણે પરંપરાગત રબારી ભરતકામ અને ઇ-કોમર્સનું અનોખું મિશ્રણ દર્શાવીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

માત્ર પાંચ કારીગરો સાથે શરૂઆત

2017માં પાબીબેને પાંચ કારીગરો સાથે તેમના સફરની શરૂઆત કરી હતી અને આજે તેમણે સેંકડો મહિલાઓ માટે આર્થિક તકોનું સર્જન કર્યું છે. પાબીબેનનું હરી જરી વર્ક લોકપ્રિય છે, તો મોર, પતંગિયા, વૃક્ષ વગેરે કુદરતી ભાતના ટોટ બૅગ, સ્લિંગ બૅગ અને શોપિંગ બૅગ પણ લોકો પસંદ કરે છે.

બોલિવૂડ-હોલિવૂડની ફિલ્મોમાં પ્રદર્શિત થઈ તેમની કળા

તેમની હસ્તકળા બોલિવૂડ અને હોલિવૂડની ફિલ્મોમાં પ્રદર્શિત થઈ છે અને સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂટ, ન્યૂ યોર્ક, ધ ટેક્સટાઇલ મ્યુઝિયમ, વોશિંગ્ટન ડીસી, તાજ ગ્રુપ ઑફ હોટેલ્સ, પીપલ ટ્રી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને સ્વીડનની ત્રણ વૈશ્વિક બ્રાન્ડ્સમાં સ્થાન મળ્યું છે. ખાસ તો, તેમણે ભરતકામ કરેલા કેડિયા અને કંજિરી રબારી પરંપરાને આધુનિક પેઢી સુધી પહોંચાડે છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button