Good news : કચ્છમાં આરામ ફરમાવવા આવતાં રૂપકડાં પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો...
કચ્છ

Good news : કચ્છમાં આરામ ફરમાવવા આવતાં રૂપકડાં પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો…

ભુજ: મધ્ય અને પૂર્વ એશિયાથી આફ્રિકા તરફની ત્રણ હજાર કિલોમીટરની લાંબી ઉડાન ભરતા અગાઉ બે ઘડી આરામ ફરમાવવા માટે કચ્છના મહેમાન બનતાં વિવિધ પ્રજાતિઓના રૂપકડાં પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં વધારો થવાનું આ વર્ષે યોજાયેલા ચોથા પેસેજ માઈગ્રન્ટ કાઉન્ટમાં રસપ્રદ અને વૈજ્ઞાનિક પૃથક્કરણ માંગી લે તેવું તારણ બહાર આવ્યું છે.

આ અંગે પક્ષી ગણતરીના સંયોજક ઉદયભાઈ વોરાએ જણાવ્યું હતું કે, ગત વર્ષ ૨૦૨૪માં ૨૩૬ સામે આ વર્ષે પક્ષી નિરીક્ષકોએ પેસેજ માઈગ્રન્ટ પક્ષીઓની ૨૫૩ જેટલી પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કર્યું છે જે તેમની વિવિધતામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.

મુખ્ય આઠ પક્ષીઓની પ્રજાતિમાં કાશ્મિરી નીલકંઠ, લાલપીઠ લટોરો, લાલપૂંછ લટોરો, મોટો પતરંગો, કૂહુ કંઠ, દિવાળી મચ્છીમાર, નાચણ તીદ્દો અને મોટો શ્વેતકંઠ જે મધ્ય અને પૂર્વ એશિયાથી આફ્રિકા સુધીની તેમની સ્થળાંતર યાત્રા દરમિયાન કચ્છનો ઉપયોગ સ્ટોપઓવર એટલે કે આરામ ફરમાવવા તરીકે કરે છે.

તેનું કારણ એ છે કે, કચ્છમાંથી ઉડાન ભર્યા બાદ આફ્રિકા સુધી સમુદ્ર માર્ગ આવતો હોઈ, આ પક્ષીઓને આરામ કરવા માટે એકપણ જગ્યા મળતી નથી. આ પ્રવાસી પક્ષીઓ ઓગસ્ટ અને ઓક્ટોબર વચ્ચેના સમયગાળા દરમ્યાન કચ્છમાં આરામ કરે છે.

આ વર્ષના બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત અને બર્ડ કાઉન્ટ ઇન્ડિયા દ્વારા વનવિભાગના સહયોગ સાથે હાથ ધરવામાં આવેલા પેસેજ કાઉન્ટમાં દેશના ૧૬ રાજ્યોના ૧૭૨થી વધુ પક્ષીશાસ્ત્રીઓ અને નિરીક્ષકોએ ભાગ લીધો હતો, જેમાં ૫૧ સર્વે ઝોનમાં અવલોકનો નોંધવામાં આવ્યા હતા. કચ્છમાં વર્ષાઋતુ બાદ ઘાસના મેદાનો અને ભીના મેદાનો આ આઠ પ્રજાતિઓને પુષ્કળ ખોરાક પૂરો પાડે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં પક્ષીઓના નિરીક્ષણના લાંબા ઇતિહાસ છતાં, માર્ગ પર સ્થળાંતર કરનારા પક્ષીઓને અવગણવામાં આવ્યા છે, તેથી હવેનો આ ડેટા સંરક્ષણ વ્યૂહરચનાઓને આકાર આપવામાં મદદ કરશે અને પક્ષીઓની વૈશ્વિક વસ્તી મૂલ્યાંકનમાં ફાળો આપશે. પક્ષી નિરીક્ષકોએ કોમન રોક થ્રશ, જેને રુફસ-ટેઈલ્ડ રોક થ્રશ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દુર્લભપક્ષી નોંધ્યું હતું.

ભુજ-ખાવડા માર્ગ પરના રુદ્રમાતા ડેમથી લોડાઈ તરફ વાહન ચલાવતી વખતે આ દુર્લભ પક્ષી દેખાયું હતું. આ પ્રજાતિ દક્ષિણ યુરોપ, મધ્ય એશિયા અને ઉત્તરી ચીનમાં પ્રજનન કરે છે અને શિયાળા દરમિયાન આફ્રિકામાં સ્થળાંતર કરે છે તેમ બી.સી.એસ.જીના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર ઉદય વોરાએ ઉમેર્યું હતું.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય ભૂમિ સીમા પરના વિઘાકોટ નજીક પક્ષી નિરીક્ષકોની ટુકડીને સંસાગર એટલે બોનેલિસ ઇગલ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે આ વિસ્તારમાં આ પક્ષી જૂજ નોંધાયું હોવાનું નિરીક્ષણ ટીમના નિષ્ણાતોએ ઉમેર્યું હતું. આ વિસ્તારમાં રિન્યુએબલ એનર્જી પાર્કનો પણ ધમધમાટ છે, આ વચ્ચે જૂજ દેખાતા શિકારી પક્ષીની હાજરી સૂચક છે.

કચ્છમાં છે આટલી વિવિધતા
આ ઉપરાંત કચ્છના પ્રવાસન સ્થળોએ પણ વિવિધ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા હતા. બંદરીય માંડવી નજીક ૮૪ પક્ષીઓની પ્રજાતિ, કચ્છના નાયગ્રા ફોલ્સ તરીકે ઓળખાતા લખપતના કડિયા ધ્રો ખાતે ૨૬ જેટલી વિવિધ પક્ષીઓની પ્રજાતિ અને ભુજના સ્મૃતિવન સનસેટ ટ્રેક પર ૧૪ પ્રકારના પક્ષીઓની પ્રજાતિઓ નોંધાઈ હતી. નખત્રાણાના ફોટ મહાદેવ નજીક ૧૬, ભુજના હમીરસર તળાવ નજીક વિવિધ ૧૯ પક્ષીઓની પ્રજાતિ નોંધાઈ હતી.

મોટા રણમાં સૌથી વધુ ૧૧૯ પ્રજાતિના પક્ષી ટહેલતા જોવા મળ્યા હતા. કોટેશ્વર આસપાસ ૧૧૩ પ્રજાતિના પક્ષીઓની નોંધ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવેમ્બર માસ શરૂ થવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું હોવા છતાં હજી શિયાળાનું આગમન થયું નથી અને મોટાભાગના મથકોનું મહત્તમ તાપમાન ૩૩થી ૩૫ ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે જેથી કરીને બદલાતી જતી ઋતુઓની પેટર્નના લીધે આવા માઈગ્રન્ટ પેસેજ પક્ષીઓ અને સુરખાબ જેવા યાયાવર પક્ષીઓની પ્રાકૃતિક વૃત્તિઓમાં ફેરફાર નોંધાઈ રહ્યો છે તેમ નિષ્ણાતો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો…પક્ષીપ્રેમીઓ માટે મહત્ત્વના સમાચારઃ ધોલેરામાં પક્ષીઓની 171 અને પતંગિયાની 25 પ્રજાતિ મળી

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button