
ભુજ: વિકાસશીલ કચ્છના ધોરીમાર્ગોની અત્યંત ખરાબ પરિસ્થિતિને પગલે વિફરેલા વિવિધ ટ્રાન્સપોર્ટ એસોશિયનોએ ‘નો રોડ, નો ટોલ’ આંદોલનની શરૂઆત કરી દીધી છે. શુક્રવારની સવારથી જ કચ્છ-સૌરાષ્ટ્રને જોડનારા સામખિયાળી ટોલ નાકા પર ચક્કાજામ આંદોલનને શરૂ કરી દેવામાં આવ્યું છે.
સમગ્ર રાજ્યમાં સૌથી વધારે ટોલ નાકા ધરાવનારા મથકોમાં બીજા નંબરના કચ્છમાં દૈનિક અંદાજે ચાર કરોડથી વધુની વાહન ચાલકો પાસેથી ઊંચા ટોલ ટેક્સની વસૂલાત થાય છે, તેમ છતાં ધોરીમાર્ગોની પરિસ્થિતિ અત્યંત બીસ્માર બની ચુકી છે.
આવા ખખડધજ રસ્તાઓને લીધે ભારે માલનું પરિવહન કરતા ટ્રાન્સપોર્ટરોને આર્થિક નુકશાની વેઠવી પડી રહી છે. આ આંદોલનની શરૂઆત પૂર્વે આગેવાનોએ સત્તાધીશો સમક્ષ સેંકડો વખત રજૂઆતો કરી હોવા છતાં માર્ગ મરામત માટે નક્કર કાર્યવાહી ધરાર કરવામાં આવી નથી.

કચ્છમાં સેંકડો ટ્રકના પૈડાં થંભી ગયા
કચ્છ જિલ્લામાં રોજગારીના મોટા સ્ત્રોત એવા ટ્રાન્સપોર્ટ જગત દ્વારા કચ્છમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ખસ્તા હાલત સામે લડતના મંડાણ કરાયા છે. કચ્છના સાત ટોલગેટ પરથી દરરોજ કરોડોનો ટોલટેક્સ વસુલવા છતા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સારા રસ્તાઓની સુવિધાના નામે મીડું હોવાથી ટ્રાન્સપોર્ટરો દ્વારા ઉગ્ર વિરોધ સાથે સ્વૈચ્છિક બંધનું એલાન કરાયું છે.
આ અંગે ટ્રક ઓનર્સ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ નવઘણભાઇ આહીરે જણાવ્યું હતું કે, ગત વર્ષે પણ સંગઠન દ્વારા રસ્તાઓની ખખડધજ હાલતને લઈ મોખા ચોકડી પર હડતાલ કરવામાં આવી હતી. જે-તે સમયે ટ્રાન્સપોર્ટરોને ટુંક સમયમાં જ ઉકેલ લાવવાની ખાતરી આપતા લડતને સમેટી લેવામાં આવી હતી.
જોકે, ત્યારબાદ અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન કરાતા આજથી જિલ્લા વ્યાપી લડતના મંડાણ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી સારા રસ્તાઓની સુવિધા પુરી પાડવામાં નહીં આવે ત્યાં સુધી લડત અવિરત રાખવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કચ્છમાં આવેલા સાત જેટલા ટોલ ગેટ પર વાર્ષિક રૂા.ર હજાર કરોડની આવક થાય છે પરંતુ રસ્તાઓની હાલત દયનીય છે.
રોજિંદા અકસ્માતોમાં અનેક માનવ જિંદગીઓ મોતના ખપરમાં હોમાઈ જાય છે. ૫-૭ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ લગભગ દરરોજની સમસ્યા બની ચુકી છે. ખરાબ રસ્તાઓના કારણે વાહનોને પણ નુકશાન થાય છે. છેલ્લા ત્રણ માસથી સંગઠનો દ્વારા વિવિધ સ્તર પર આવા ખસ્તાહાલ માર્ગોની તાત્કાલિક સુધારણા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે
પરંતુ કોઈ પગલાં ન લેવાતા આખરે લડતનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ગાંધીધામ ચેમ્બર સહિત વિવિધ સંગઠનો દ્વારા આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટરો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ લડત શાંતિપૂર્ણ રીતે આગળ વધારવામાં આવશે, પરંતુ હાઇવે ઓથોરિટીની ઉદાસીનતા યથાવત રહી તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે.
જો સ્થિતિ નહીં સુધરે તો
ટ્રાન્સપોર્ટરોના અલગ અલગ એસોસિયેશન દ્વારા એક મંચ પર આવીને રણનીતિ નક્કી કરી વહીવટી તંત્ર સહિત અલગ અલગ કક્ષાએ, ગાંધીધામ ચેમ્બર સહિતમાં રજૂઆત કરવામાં આવી હતી ગાંધીધામ ચેમ્બર દ્વારા આંદોલનને સમર્થન પણ જાહેર કરવામાં આવ્યું છે.
ઉચ્ચ કક્ષાએ રજૂઆતો થયા પછી પણ યોગ્ય પરિણામ આવ્યું નથી તેને પરિણામે હવે આંદોલના રણટંકારની નીતિ અનુસાર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા લડતના મંડાણ શરૂ કરવામાં આવ્યા છે.
આ હડતાલમાં,ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ , કચ્છ ડીસ્ટ્રીક્ટ ડમ્પર ઓનર્સ વેલ્ફેર એસોસીએશન-ગાંધીધામ, ધ ટેન્કર ઓનર એન્ડ ઓપરેટર્સ એસોસીએશન,કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસીએશન, કચ્છ ગાંધીધામ ગુડસ ટ્રાન્સપોર્ટ એસોસીએશન, ટ્રક ઓનર વેલ્ફેર ફાઉન્ડેશન-રતનાલ, ન્યુ જીજીટીએ એસોસીએશન-ગાંધીધામ, જી જી ટી એ, ટ્રાન્સપોર્ટ વેલફેર ફાઉન્ડેરશન ઓફ રાજસ્થાન, કચ્છ ડીસ્ટ્રીક્ટ ટ્રકઓનર એસોસીએશન, ટેક્સી એસોસિએશન કચ્છ, સામાજિક સંસ્થાઓ, વેપારીઓ તેમજ આમ નાગરિકોએ પણ સમર્થન જાહેર કર્યું છે.
દરમ્યાન, આ હડતાલના લીધે કચ્છના બંદરો પરનું પરિવહન, નાના-મોટા ઉદ્યોગો પર વિપરીત અસર પડી રહી છે. જો આ હડતાલ વધુ ખેંચાશે તો પરિસ્થિતિ વધુ વિકટ બનશે તેવું જાણકારો જણાવી રહ્યા છે.