કચ્છના લુણા ગામનું ‘ઉલ્કા તળાવ’ વિશ્વના ૨૦૦ દુર્લભ સ્થળો પૈકીનું એક: નાસાએ તસ્વીર કરી જાહેર
ભુજ: અનેક ભૌગોલિક વિશેષતાઓથી સમૃદ્ધ એવા ભાતીગળ પ્રદેશ કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ યાજીપીર નજીક આવેલા ભુજ તાલુકાના લુણા ગામના રહસ્યમયી ‘કેટર લેક’ એટલે કે, ઉલ્કા તળાવને વિશ્વના ઉલ્કાપાતથી સર્જાયેલા 200 જેટલા દુર્લભ સ્થળો પૈકીના એક સ્થળ તરીકે અમેરિકાની અવકાશી સંસ્થા નાસાએ જાહેર કર્યું છે. નાસાના લેન્ડસેટ 8 ઉપગ્રહે લુણામાં સ્થિત અંદાજે 6900 વર્ષ જૂના ઈમ્પેક્ટ ક્રેટર એટલે કે ઉલ્કાપાતથી સર્જાયેલા તળાવની અદભૂત તસવીરો ખાસ પ્રકારના સેટેલાઇટ કેમેરા વડે કેપ્ચર કરી છે.
આ પણ વાંચો: નાસાનું મૂન મિશન થયું રદ, નડ્યું બજેટનું ગ્રહણ
ગામના નામ પરથી લુણા નામ આપવામાં આવેલો આ ખાડો એ એક ભૂસ્તરશાસ્ત્રીય અજાયબી છે જેણે વિશ્વભરના વૈજ્ઞાનિકો તેમજ ઉત્સાહીઓને આકર્ષિત કર્યા છે. સ્થાનિક વૈજ્ઞાનિકો દ્વારા લુણા ક્રેટરના અસ્તિત્વ અંગે લાંબા સમયથી સંશોધન કરવામાં આવતા હતા. તાજેતરના જીઓકેમિકલ વિશ્લેષણ સુધી તેની ઉત્પત્તિ કઈ રીતે થઇ તે અંગેની પુષ્ટિ થઈ શકી ન હતી.
નાસાના અધ્યયનમાં દુર્લભ ખનિજોની હાજરી અને ઇરીડિયમ-તત્વોની ઉચ્ચ સાંદ્રતા હોવાનું બહાર આવ્યું છે જે સામાન્ય રીતે બહારની દુનિયાના પદાર્થો સાથે સંકળાયેલા છે. આશરે 1.8 કિલોમીટર વ્યાસમાં ફેલાયેલા ગોળ ચંદ્રાકાર આકારના લુણા તળાવનો બાહ્ય કિનારો તેના મુખ્ય પટથી લગભગ 20 ફૂટ ઉપર વધે છે, જે બન્નીના ઘાસિયા મેદાનોના સપાટ લેન્ડસ્કેપમાં એક અગ્રણી લક્ષણ બનાવી રહ્યું છે.
આ પણ વાંચો: બ્રહ્માંડમાં દેખાઈ ‘વ્હાઈટ એંજલ’ નાસાએ જાહેર કરી તસવીર….
કાંપમાં મળી આવેલા છોડના અવશેષોની રેડિયોકાર્બન ડેટિંગથી વૈજ્ઞાનિકોને એ નક્કી કરવામાં મદદ મળી છે કે, અવકાશમાંથી ત્રાટકેલી ઉલ્કાની અસર લગભગ 6900 વર્ષ પહેલાં થઈ હતી. અલબત્ત માનવ વસાહત અહીં હતી કે નહિ એ બાબત અંગે હજુ સંશોધન થઇ રહ્યા છે. લુણા ક્રેટરની નાસાએ લીધેલી તસવીરોએ ઉલ્કાપાતથી અસ્તિત્વમાં આવેલા ક્રેટર્સના અભ્યાસ અને પૃથ્વીની સપાટીને આકાર આપવામાં તેમની ભૂમિકામાં વૈજ્ઞાનિકોને નવેસરથી રસ જગાડ્યો છે.