કચ્છના બારડોલી તરીકે ઓળખાતા નખત્રાણામાં ફર્યું બુલડોઝર, ભૂમાફિયાઓમાં ફફડાટ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ કચ્છના બારડોલી તરીકે ઓળખાતા નખત્રાણા ખાતે એક સરકારી પડતર તથા ગૌચર જમીન ઉપર માથાભારે શખ્સો દ્વારા થયેલાં દબાણોને સ્થાનિક પોલીસ દ્વારા હટાવી લેવામાં આવતાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
આ અંગે પોલીસ ઇન્સ્પેકટર એ.એમ.મકવાણાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, નખત્રાણા તાલુકાના સુખપર (વિરાણી મોટી) ગામે આવેલી સર્વે નંબર ૭ની સરકારી પડતર જમીન પર અંદાજિત ત્રણેક એકર જેટલા વિસ્તારમાં સુખપર ગામના વાઘજી મૂળજી પારાધી નામના શખ્સ દ્વારા અનધિકૃત વાડા બનાવી કુદરતી પાણીના ખાબોચિયાં, તળાવ તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.
રાજ્યભરમાં આ પ્રકારના અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના મુજબ પશુધન માટે આ જમીનને ખુલ્લી કરાવી હતી. સુખપરના ગુનાહિત ઇતિહાસ ધરાવતા વાઘજી મૂળજી પારાધીએ તાજેતરમાં પોતાના પિતરાઈ ભાઇ મીઠુ તમાચી પારાધી ઉપર દબાણ મુક્ત કરાયેલી જમીન વિસ્તારમાં પશુઓને પાણી પીવા જવા બાબતે કુહાડીથી જીવલેણ હુમલો કર્યો હોવાનું મકવાણાએ ઉમેર્યું હતું.


