કચ્છ

અંજારના શ્રમિકની હત્યા માત્ર પૈસા માટે નહીં પણ ભાઈએ આપેલા દગા માટે પણ થઈ…

ભુજઃ કચ્છના અંજારમાં એક હત્યાનો ભેદ ઉકેલાયો ત્યારે જે હકીકતો બહાર આવી તે સંબંધોમાં અમુક સમયે માણસ કેવો હતાશ કે નિરાશ થઈ જાય તે પણ જણાવે છે. જોકે અહીં મોટા ભાઈએ કરેલું કૃત્ય કોઈ હિસાબે સ્વીકાર્ય નથી અને કાયદાની દૃષ્ટિએ જે સજા તેને મળે તે યોગ્ય જ હશે, પરંતુ બે ભાઈ વચ્ચેના સંબંધોમાં પણ જ્યારે પૈસા અને તેના કરતાયે આટલી હદની કડવાશ આવી જાય ત્યારે સમાજિક ચિંતાનો વિષય બની જાય છે.

અંજારના વરસામેડી ગામે સ્થિત વેલસ્પન કંપનીની અંદર આવેલી શ્રમિક વસાહત પાછળ ગીચ બાવળોની ઝાડીમાંથી ફેંકેલી અવસ્થામાં મળી આવેલા ૨૨ વર્ષીય પરપ્રાંતીય યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે અને મૃતક વિનયકુમાર યાદવનો સગો મોટો ભાઈ અજયકુમાર અયોધ્યાપ્રસાદ યાદવ (ઉ.વ. ૨૯,રહે. ઝારખંડ)ની ધરપકડ કરી લીધી છે.

વિનય યાદવ વેલસ્પનમાં લેબર કોન્ટ્રાક્ટર હતો અને મોટા ભાઈ અજય જોડે ભાગીદારીમાં ઝારખંડથી મજૂરો મંગાવતો હતો. વિનયની હત્યા બાદ પોલીસે અજયનો સંપર્ક કરી વિનયની હત્યા થઈ હોવાની જાણ કરીને અંતિમવિધિ માટે તેના મૃતદેહને લઈ જણાવ્યું હતું. અજય પણ જાણે પોતે કંઈ જ ના કર્યું હોય તેમ સહજ રીતે અંજાર આવ્યો હતો અને વિનયના મૃતદેહનો કબજો લેવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.

વિનયની હત્યા કોણે કરી તે અંગે પોલીસ સીસીટીવી ફૂટેજ અને બાતમીદારો મારફતે માહિતી મેળવવા સક્રિય બની હતી. બનાવ સમયે અજયે પોતે ઝારખંડમાં હોવાનું જણાવ્યું હતું. પરંતુ, અંજારની એક દુકાન કે જ્યાંથી વિનયની હત્યા માટે વપરાયેલું દાતરડાં જેવું તીક્ષ્ણ હથિયાર ખરીદાયું હતું તે દુકાનના સીસીટીવી ફૂટેજને ચેક કરતાં હથિયાર ખરીદનારો અજય હોવાનું પ્રતિપાદિત થયું હતું. પોલીસે પૂછપરછ કરતાં અજય ગુનો કબૂલી લીધો.

અંજારના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલે જણાવ્યું હતું કે, મૃતક વિનય લાંબા સમયથી તેના મોટા ભાઈ અજયને લેવાના બાકી નીકળતાં ત્રણેક લાખ રૂપિયા પરત આપતો નહોતો. આ મામલે તેમના વચ્ચે અવારનવાર ફોન પર શાબ્દિક ચકમક ઝરતી રહેતી હતી. એટલું જ નહીં, વિનયે ધંધામાંથી મોટા ભાઈ અજયને બેદખલ કરી દીધો હતો. ઝારખંડ રહેતો અજય ગૂપચૂપ રીતે હત્યાના આગલા દિવસે અંજાર આવ્યો હતો. વિનય પૈસા ના આપે તો તેને પતાવી દેવાના હેતુથી હથિયાર ખરીદ્યુ હતું. પૈસા પરત ન આપતાં ગત ૨૫મી એપ્રિલની રાત્રે વિનયની ઘાતકી હત્યા કરીને અજય પરત વતન તરફ સરકી ગયો હતો. પોલીસે તેને મૃતદેહનો કબ્જો લેવા કચ્છ પરત બોલાવ્યો અને સીસીટીવી ફૂટેજના આધારે તેને ઝડપી લેવામાં આવ્યો હોવાનું એ.આર.ગોહિલે ઉમેર્યું હતું.

આપણ વાંચો : પહેલગામ હુમલોઃ કચ્છના ૨૧ ટાપુઓ પર પ્રવાસીઓ ફરવા નહીં જઈ શકે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button