કસ્ટમ અધિકારીના ઘરમાં ચોરી: મુંદરામાં તસ્કરો રૂ. ૧.૫૦ લાખ રોકડા સહિત લોકર ઉઠાવી ગયા!

કચ્છઃ કચ્છ તસ્કરો માટે જાણે રેઢું પડ્યું હોય તેમ દરરોજ ચોરી-લૂંટફાટની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. મુંદરા પંથકના સાડાઉ ગામના રહેણાંક વિસ્તારમાં એક બંધ ઘરમાં પ્રવેશેલા તસ્કરો કસ્ટમ અધિકારીના ઘરમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીના રાખેલાં લોકરને ઉઠાવી જતાં આસપાસના રહેવાસીઓમાં ચકચાર પ્રસરી હતી.
શું છે મામલો
ઘરફોડના આ બનાવ અંગે મુંદરા મરીન પોલીસ મથકે મૂળ રાજસ્થાનના, હાલ સાડાઉમાં ગુંદાલા રોડ સ્થિત સદગુરુ સોસાયટીમાં રહેતા અને કસ્ટમ અધિકારી તરીકે ફરજ બજાવતા ક્ષિતિજ નાંબી કૈલાશચંદ્ર ગુપ્તાએ અજ્ઞાત તસ્કરો વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પરિવાર સાથે 6 ડિસેમ્બરના રોજ અમદાવાદ ગયા હતા. બે દિવસ બાદ મકાનના તાળા તૂટેલાં હોવા અંગે પાડોશીએ ફોન કરીને જાણકારી આપી હતી.
આ પણ વાંચો : શું વાત કરો છો? પોલીસે ચોરને જ ચોરીના રૂપિયા અને મુદ્દામાલ પરત કર્યો!
ઘરે જઈને તપાસ કરતાં વેરવિખેર સમાન વચ્ચે તેમનું લોકર ગાયબ જણાયું હતું. આ લોકરમાં રાખેલા રોકડા રૂા. ૧.૫૦ લાખ તથા સોનાના નાના-મોટા ઘરેણા,ચાંદીના ઘરેણા, ડાયમંડની વિંટી એમ કુલ્લે રૂા.૩,૦૬,૬૦૦ની અજ્ઞાત તસ્કરો ચોરી કરી ગયા હતા.
દરમ્યાન, સિક્યુરિટી ગાર્ડ એવા રાજુભા જેઠવાની પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, ગત તા. ૮-૧૨ની મધ્યરાત્રીના અઢી વાગ્યાના અરસામાં સદગુરુ સોસાયટીની અંદર ઘૂસી આવેલા ત્રણ બુકાનીધારી શખ્સોને પડકારતાં તેઓ નાસી છૂટ્યા હતા. તેમના હાથમાં મોટો થેલો હોવાનું તેઓએ ઉમેર્યું હતું. પોલીસે અજ્ઞાત ચોર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.



