રણોત્સવ માણવા આવેલો મુંબઈનો પરિવાર શોકમગ્નઃ ઠંડીને કારણે એક સમભ્યનું મોત
ભુજઃ યુનેસ્કોએ જાહેર કરેલા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ ધોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવને માણવા પરિવાર સાથે મુંબઈથી આવેલા અને ટેન્ટ સિટીમાં રોકાયેલા ૭૩ વર્ષીય અરુણકુમાર મહેતાનું હૃદયરોગના તીવ્ર હુમલાથી મોત નીપજતાં ગમગીની પ્રસરી છે.
આ અંગે ખાવડા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ અરુણકુમાર તેમના પુત્રો અને ગાંધીધામમાં રહેતા સંબંધી સાથે ધોરડોના સફેદ રણમાં ફરવા માટે અત્રેની ટેન્ટ સિટીમાં રોકાયા હતા. ગઈકાલે ૨૧મી જાન્યુઆરીની મોડી રાત્રે અરુણકુમારને છાતીમાં અસહ્ય દુ:ખાવો ઉપડતાં તેમને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ દુ:ખદ બનાવથી તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Also read: Tourism: હવે રણોત્સવ જવા માટે અમદાવાદથી મળશે બસ સેવા!
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વર્ષે કાતિલ ઠંડી પડી છે. રાજ્યમાં શિયાળાની સિઝનમાં છેલ્લા 20 દિવસમાં હૃદય રોગ સંબંધિત ઇમરજન્સીના 5144 કેસ નોંધાયા છે. જે ગત વર્ષ 2024ના 1 જાન્યુઆરીથી 20 જાન્યુઆરીના સમયમાં 4305 કેસ હતા. આમ ગત વર્ષની સરખામણીએ શિયાળામાં હૃદય રોગ સંબંધિત ઇમરજન્સીના કેસમાં 19.49 ટકાનો વધારો નોંધાયો હતો. ગત વર્ષે સરેરાશ 215 જેટલા કેસ આવ્યા હતા, હાલ 257 આસપાસ કેસ નોંધાયા છે. 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા આપવામાં આવેલા આંકડામાં આ માહિતી જાણવા મળી હતી. હજુ રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળે તેવી આગાહી છે ત્યારે લોકોએ વધારે સતર્ક રહેવાની જરૂર છે.